જામનગરમાં આજ સવારથી જ વાતાવરણમાં પલટો આવ્યો હતો. એકાએક આકાશ ગોરંભાઈ જતા ફરી એક વખત માવઠાની નોબતે દસ્તક દીધી હતી. જો કે હાલ ખેડૂતોને તો આ માવઠું અસર કરી શકે એમ નથી કારણ કે ઉનાળુ પાક હજુ મધ્યકક્ષાએ છે. જો કે જીલ્લાભરના યાર્ડમાં માવઠાની મુસીબતે વેપારીઓને ધંધે લગાડ્યા હતા. જામનગર યાર્ડમાં ખરીદ કરી ખુલ્લામાં રાખેલ વિવિધ અને વિપુલ માત્રાનો જથ્થો સલામત જગ્યાએ લઇ જવા વેપારીઓએ રીતસરની દોટ લગાવી હતી. ઉતર ગુજરાત અને સૌરાષ્ટ્રના મોટા ભાગના જિલ્લાઓમાં માવઠાની આગાહીને લઈને આજ સવારથી વાતાવરણમાં પલટો આવ્યો હતો. સવારથી આકાશમાં વાદળો બંધાઈ જતા ફરી એક વખત માવઠાની સંભાવના પ્રબળ બની હતી. આવા વાતાવરણ વચ્ચે આજે જામનગર શહેર-જીલ્લામાં છાંટા પડવાની શરુઆત થઈ હતી. જેને લઈને જામનગર એપીએમસીમાં માલ ખરીદી કરનાર વેપારીઓ મુસીબતમાં મુકાયા હતા. ગઈ કાલે વેપારીઓએ મરચા, રાયડો, કપાસ સહિતની જણસીઓ ખરીદી અન્ય જગ્યાએ તબદીલ કરે તે પૂર્વે વરસાદી માહોલ બંધાયો હતો. જેને પગલે વેપારીઓ પોતાની જણસી બચાવવા વાહનો અને મજુરોને લઈને કામમાં લાવ્યા હતા. હવામાન વિભાગની આગાહીના પગલે યાર્ડ સતાધીસોએ યાર્ડ બે દિવસ બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. આવતી કાલે પણ યાર્ડ બંધ રહેશે એમ યાર્ડ સુત્રોએ જણાવ્યું છે.
જામનગરમાં માવઠાને લઈને માર્કેટિંગ યાર્ડમાં દોડધામ, ખુલ્લામાં પડેલી જણસી સાચવવા વેપારીઓમાં દોડધામ

Recent Comments