જામનગર જિલ્લાનાં ચેકડેમમાં નહાવા વેપારીનું પાણીમાં ડૂબી જતાં મોત થયું
જામનગર જિલ્લામાં તહેવારોમાં અપમૃત્યુના પાંચ બનાવો નોંધાયા છે. ધુંવાવ ગામના તળાવમાં ન્હાવા પડેલા વેપારીને તરતા ન આવડતા ડૂબી જતા મોત થયું છે. બેડીના દરિયામાં સલાયાના ખલાસીનું અકસ્માતે બોટમાંથી પટકાતા અપમૃત્યુ થયું છે. ધુન ધોરાજીમાં વૃધ્ધા ઉપર દીવાલ ધસી પડતા દટાઇ જતાં મોત થયું છે. મેમાણા ગામે વાડીએ પાણી વાળવા ગયેલા ખેડૂતનું પટકાતા મોત થયું હતું. જ્યારે જામનગરમાં ટ્રેનની ઠોકરે યુવાનનો ભોગ લેવાયો છે.
જામનગરમાં કાલાવડ નાકા બહાર રહેતા મુસ્તકીમ મોહમ્મદભાઈ ફુલવાલા નામના ૨૬ વર્ષના વેપારી, કે જેઓ પોતાના અન્ય બે મિત્રો સાથે ધુવાવ ગામ પાસે આવેલા ચેક ડેમમાં ગઈકાલે નહાવા માટે પડયા હતા, તેમને તરતા ન આવડતા ઉંડા પાણીમાં ગરકાવ થયા હોવાથી ડુબવા લાગ્યા હતા. આ સમયે તેઓની સાથે રહેલા અન્ય બે મિત્રો કે જેઓએ બચાવવા માટેના પ્રયાસ કર્યા હતા, પરંતુ ડૂબી જવાથી તેઓનું મૃત્યુ નીપજ્યું હતું. ખંભાળિયા તાલુકાના સલાયા ગામમાં રહેતો અને બોટમાં ખલાસી તરીકે કામ કરતો અબ્બાસ હુસેનભાઇ ભટ્ટી નામનો ૨૩ વર્ષનો યુવાન ગઈકાલે બેડી બંદર નજીક લાંગરેલી એક બોટમાં પાટલાનો બોયો બદલી રહ્યો હતો,
તે દરમિયાન અકસ્માતે તેનો પગ લપસી જતાં દરિયાના પાણીમાં પડી જતા ડૂબી જવાના કારણે તેનું મૃત્યુ નીપજયું છે. કાલાવડ તાલુકાના ધુનધોરાજી ગામમાં રહેતા કાંતાબેન અરજણભાઈ ટીંબડીયા નામના ૭૦ વર્ષના બુઝુર્ગ મહિલા, કે જેઓ પોતાની વાડીએ પાણી ભરવાના હોજની દીવાલની બાજુમાં બેઠા હતા, જે દરમિયાન અચાનક હોજની પાકી દિવાલ તૂટીને ધસી પડી હતી. જે દિવાલની નીચે દટાઈ જવાના કારણે મોત થયું હતું. લાલપુર તાલુકાના મેંમાણા ગામમાં રહેતા અને ખેતી કામ કરતા દિલુભા બાલુભા જાડેજા નામના ૬૩ વર્ષ ના ખેડૂત બુઝુર્ગ કે જેઓ ગઈકાલે પોતાની વાડીએ પાણી વાળવા માટે ગયા હતા, જે દરમિયાન તેઓ નીચે પટકાઈ પડતા ઇજા થતા મોત નીપજ્યું હતું. જામનગરમાં ખોડીયાર કોલોની વિસ્તારમાં રહેતો મધુસુદનભાઈ ગુરુરાજભાઈ નામના ૨૭ વર્ષનો યુવાન આવાસ કોલોનીની નજીકની રેલવે લાઇન પરથી પસાર થઈ રહ્યો હતો, જે દરમિયાન ટ્રેન આવી જતાં ટ્રેનની હડફેટે ચડી ગયો હતો, અને માથાના ભાગે ઈજા થવાથી તેનું કરુણ મૃત્યુ નીપજ્યું હતું.
Recent Comments