ભારતમાં કોરોનાની બીજી લહેર હાહાકાર મચાવી રહ્યો છે. દેશભરમાં રોજે રોજ કોરોના સંક્રમણના ૧ લાખ ૧૫ હજારથી વધુ નવા કેસો સામે આવી રહ્યાં છે. નિષ્ણાતોએ ભારતની ચિંતા વધારી દીધી છે. નિષ્ણાંતોના મત ભારત કોરોના સંક્રમણનાં પોઝિટિવ સેમ્પલોની પ્રયોગશાળાઓમાં પૂરતા પ્રમાણમાં તપાસ કરવામાં નિષ્ફળ રહ્યું છે. ભારત પાસે પૂરતો ડેટા જ નથી જેનાથી ઝડપથી વધતા કેસનું કારણ સમજવામાં મદદ મળી શકે.
બ્લૂમબર્ગના તાજેતરના એક રિપોર્ટમાં એક્સપર્ટના હવાલાથી ચેતવણી અપાઈ છે કે, જાે ભારત જિનેટિક સિક્વન્સિંગના આંકડાઓને ઝડપથી નહીં વધારે તો ઈલાજ તો મુશ્કેલ થશે જ પણ સાથો સાથ વેક્સિનની પણ નકામી બની જશે. કોરોના વાયરસ પર કોઈ ખાસ અસર નહીં થાય. વિજ્ઞાનીઓએ ચેતવણી આપી છે કે જાે ભારત પોઝિટિવ સેમ્પલોનું ઝડપથી જિનેટિક સિક્વન્સિંગ નહીં કરે તો કોરોના વિરુદ્ધ તેની લડાઈ ખૂબ નબળી થઈ જશે. હોસ્પિટલોમાં કારગત ઈલાજ નહીં થઈ શકે અને ન તો વાયરસ વિરુદ્ધ વેક્સિન કામમાં આવશે.
કોરોના સંક્રમણ વિરુદ્ધની લડાઈમાં ટેસ્ટિંગ તો અગત્યનું છે જ પણ એનાથી વધુ અગત્યનું છે પોઝિટિવ સેમ્પલોની જિનોમ સિક્વન્સનો અભ્યાસ. જે લોકો સંક્રમિત મળે છે એમાંથી તમામનાં સેમ્પલોની આગળ એ વાતની તપાસ થાય છે કે વાયરસનો કોઈ નવો વેરિએ્ટ તો પેદા થઈ રહ્યો નથીને. અથવા તો એમાં કોઈ એવો ફેરફાર તો થઈ નથી રહ્યો ને કે જે વધુ ખતરનાક અને ચેપી હોય.
યુનિવર્સિટી ઓફ મિશિગનની સ્કૂલ ઓફ પબ્લિક હેલ્થમાં પ્રોફેસર ભ્રમર મુખર્જીના જણાવ્યા અનુસાર, ભારત પાસે કોરોનાવાયરસના નવા વેરિએન્ટ અંગેનો પૂરતો ડેટા જ નથી. જેના પરથી ખ્યાલ આવે કે સંક્રમણમાં અચાનક જબરદસ્ત ઉછાળાનું કારણ કેટલાક નવા વેરિએન્ટ છે કે કેમ. ભારત પોઝિટિવ સેમ્પલોના જિનેટિક સિક્વન્સિંગના મામલે બ્રિટન અને અમેરિકા જેવા દેશોના મુકાબલે ઘણું પાછળ છે.
સરકારી ડેટા અનુસાર, ભારતે પોતાનાં પોઝિટિવ સેમ્પલોના ૧ ટકાથી પણ ઓછું જિનેટિક સિક્વન્સિંગ કર્યું છે. બીજી તરફ, બ્રિટનમાં આ આંકડો ૮ ટકા છે. ગત સપ્તાહે તો યુકેએ પોઝિટિવ સેમ્પલોમાંથી ૩૩ ટકા એટલે કે એક તૃતીયાંશ સેમ્પલોનું લેબોરેટરીમાં આગળની તપાસ કરી હતી. જ્યારે અમેરિકાએ પણ ગત મહિને જણાવ્યું હતું કે તે નવા કેસોમાંથી લગભગ ૪ ટકા સેમ્પલોનું જિનેટિક સિક્વન્સિંગ કરાવી રહ્યું છે.
Recent Comments