અમરેલી

જિલ્લાનાં હજારોની સંખ્યામાં લોકો માસ્ક વગર ખોડલધામ પદયાત્રાએ રવાના

અમરેલી જિલ્લામાં કોરોના સંક્રમણની વચ્ચે લોકો હજારોની સંખ્યામાં કોવિડ ગાઈડલાઈનના ધજાગરા ઉડાડી માસ્ક વગર ખોડલધામ પદયાત્રાએ રવાના થયા હતા.

સમગ્ર ગુજરાત રાજ્યમાં કોરોના અને ઓમિક્રોનના કેસ નોંધાઈ રહ્યા છે. ત્રીજી લહેર હવે શરૂ થઈ છે, જેમાં તકેદારી અને સાવચેતી નહિ રખાય તો સ્થિતિ ફરી વધુ વણસે તેવી શક્યતાઓ છે. ત્યારે અમરેલી જિલ્લામાં કોરોના સંક્રમણ વધી રહ્યું છે, કોરોના સંક્રમણ વધતા 8 કેસ પોઝિટિવ આવ્યા છે. ઉપરાંત 1 કેસ ઓમિક્રોનનો નોંધાયો છે. તેવામાં જિલ્લામાંથી લોકો હજારોની સંખ્યામાં માસ્ક વગર ખોડલધામ પદયાત્રાએ જવા રવાના થયા છે. નોંધનીય છે કે બાબરાના ચમારડી ગામથી વહેલી સવારે ઉદ્યોગપતિ અને ભામાશા તરીકે ઓળખાતા ગોપાલ વસ્ત્રાપરાને અંગત માનતા હોવાને કારણે ખોડલધામ કાગવડ ખાતે પદયાત્રા સાથે વહેલી સવારે રવાના થયા છે. તેમની સાથે આશરે 1500 ઉપરાંત લોકો જોડાયાં છે.

આ તમામ લોકો માસ્ક વગર જોવા મળ્યા હતા. ખોડલધામ, કાગવડની યાત્રા માટે આ તમામ લોકો સોશિયલ ડિસ્ટન્સનો ભંગ કરી માસ્ક વગર રવાના થયા છે. જેથી એક પણ વ્યક્તિએ કોરોના ગાઈડલાઈનનું પાલન કર્યું ન હોવાથી સંક્રમણ ફેલાશે તો જવાબદાર કોણ રહેશે તેવી ચર્ચાઓ પણ જોવા મળી રહી છે.
હાલમાં તો ગોપાલ વસ્ત્રાપરા દ્વારા માનતા હોવાને કારણે સૌએ સાથે મળી પદયાત્રા કાઢી હોવાનુ મનાય છે. પરંતુ સાથે સાથે તેઓ 2017ની વિધાનસભા ચૂંટણી હારી ગયા બાદ ફરી 2022ની તૈયારી કરી શક્તિ પ્રદર્શન કરી રહ્યા હોવાનો પણ ગણગણાટ ચાલી રહ્યો છે. બીજી તરફ આ પદયાત્રામાં બાબરા, લાઠી, દામનગર આખી વિધાનસભા મત વિસ્તારના અલગ અલગ ગામોમાંથી લોકો ઉમટી પડ્યા હતા.

Related Posts