ગુજરાત

જિલ્લાના વિકાસ કામોની સમીક્ષાના ઉપક્રમો યોજતા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

મુખ્યમંત્રીએ એક જ દિવસમાં બે જિલ્લાઓ અરવલ્લી અને ગાંધીનગરના વિવિધ વિકાસ કામો-ફલેગશીપ યોજનાઓની પ્રગતિની સર્વગ્રાહી સમીક્ષા માટે જિલ્લા અધિકારીઓ સાથે બેઠક યોજી હતી.   મુખ્યમંત્રીએ કલોલ-માણસા હાઇવેના કામ અંગેની સંબંધિત અધિકારીઓ પાસેથી વિગત મેળવી હતી તેમજ આ કામને ઝડપભેર પૂર્ણ કરવા માટેની પણ સૂચનાઓ આપી હતી. તેમણે બાવળા માણસા વચ્ચેના માર્ગના નવિનીકરણની દરખાસ્ત રજૂ કરવા પણ સંબંધિત અધિકારીઓને જણાવ્યું હતું.   મુખ્યમંત્રીએ માણસા નગરપાલિકા વિસ્તારના વિકાસ કામો માટે રીંગ રોડ બનાવવાની ચર્ચામાં ટાઉન પ્લાનિંગ સ્કીમના તાત્કાલિક અમલીકરણ કરવાની સૂચના આપી હતી.

તેમજ કલોલમાં આવેલા અંડરપાસને પહોળો કરવા માટે પણ સંબંધિત અધિકારીઓને જણાવ્યું હતું. મુખ્યમંત્રીએ કલોલ નગરપાલિકા વિસ્તારના સ્થાનિક રહીશોની માંગણીને ધ્યાને લઇ ઘનકચરાના નિકાલ માટે જણાવ્યું હતું. તેમજ આ માટે લેન્ડ ફિલ સાઈટની થયેલી દરખાસ્તને તાત્કાલિક મંજૂરી મળી જાય તેવું સુચારું આયોજન કરવા પણ સૂચન કર્યુ હતું.     ભૂપેન્દ્ર પટેલે ટીમ ગાંધીનગર સાથેની આ સમીક્ષા બેઠકમાં જણાવ્યું હતું કે ગાંધીનગર જિલ્લામાં જનપ્રતિનિધિઓ અને અધિકારીઓના સુમેળભર્યા સંકલનના કારણે વિકાસના કામોની ગતિ વધુ તેજ બની રહી છે. 

Related Posts