જિલ્લામાં આધાર નોંધણી વધારવા માટે આંગણવાડી ખાતે કેમ્પનું આયોજન કરવામાં આવશે
ભારત સરકાર અને UIDAI દ્વારા વધુમાં વધુ આધાર નોંધણી થાય તે માટે વિવિધ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. અમરેલી સ્થિત જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આધારકાર્ડ લગત કામગીરીની સમીક્ષા અર્થે જિલ્લાકક્ષાની આધાર મોનિટરિંગ કમિટીની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં UIDAI મુંબઈના ડિરેક્ટરશ્રી અને ડેપ્યુટી ડિરેક્ટરશ્રીએ વર્ચ્યુઅલ રીતે ગુગલ મીટથી ભાગ લીધો હતો. બેઠકમાં રજૂ કરવામાં આવેલ પ્રેઝન્ટેશનમાં અમરેલી જિલ્લાની અંદર આધાર નોંધણી બાબત ડેટા રજૂ કરવામાં આવ્યો હતો. જિલ્લામાં ૦-૫, ૫-૧૮ તથા ૧૮ પ્લસ વર્ષની જનસંખ્યાની વિગતો મુજબ ૦-૫ વર્ષમાં આવતી જનસંખ્યામાં કુલ ૭૦,૯૩૦, ૫-૧૮ વર્ષમાં આવતી જનસંખ્યામાં કુલ ૩,૧૮,૩૬૭ તથા ૧૮થી વધુની ઉંમરની જનસંખ્યામાં કુલ ૧૨,૪૫,૦૩૧નું આધાર રજિસ્ટ્રેશન થયું છે.
ઓવરઓલ કુલ ૧૬ લાખ, ૩૪ હજાર અને ૩૨૮ લોકોની આધાર નોંધણીની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે ઉપરાંત ૧,૪૧,૬૮૬ લોકોની આધાર નોંધણીની કામગીરી બાકી છે. આ ઉપરાંત ઓવરઓલ આધાર નોંધણીની કુલ ટકાવારી ૯૨.૦૨ ટકા છે. ૦-૫ તથા ૫-૧૮ની ઉંમરમાં આધાર નોંધણીની ટકાવારી ઓછી હોવાના કારણે આધાર નોંધણી વધારવા માટે અધ્યક્ષસ્થાનેથી વિવિધ સૂચનો કરવામાં આવ્યા છે. જેમાં સર્વે ઉપરાંત આંગણવાડી ખાતે કેમ્પ સહિતના સૂચનો સામેલ છે. આ બેઠકમાં પ્રાંત અધિકારીશ્રી,અમરેલી, નાયબ જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી, જિલ્લા શિક્ષણ અધિકારીશ્રી, આઈ.સી.ડી.એસના પ્રોગામ અધિકારીશ્રી, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી સહિતના ઉપસ્થિત રહ્યા હતા.
Recent Comments