જિલ્લામાં ગત વર્ષે આવેલા તાઉતે વાવાઝોડા બાદ જિલ્લાના ગ્રીન કવરને વ્યાપક નુકશાન થયું છે, આ નુકશાનને પહોંચી વળવા વૃક્ષ વાવતેર અને ઉછેર માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વિશેષ પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. અમરેલી જિલ્લા કલેક્ટરશ્રી ગૌરાંગ મકવાણા દ્વારા જિલ્લાભરમાં વિપુલ પ્રમાણમાં વ્યાપક વૃક્ષારોપણનો અને વૃક્ષારોપણ કરાવવાનો નિર્ધાર કરવામાં આવ્યો છે. આ અભિયાનના ઉપલક્ષમાં આજે અમરેલી જિલ્લા આયોજન કચેરી દ્વારા વૃક્ષારોપણ માટેનો એક ખાસ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. શુક્રવારે ૦૮ જુલાઈના રોજ યોજાયેલા કાર્યક્રમમાં વરસતા વરસાદની સ્થિતિમાં પણ જિલ્લા આયોજન કચેરી, અમરેલીના પટાંગણમાં અધિકારીશ્રીઓએ વિવિધ પ્રકારનાં ૧૦૦ વૃક્ષોનું વૃક્ષારોપણ કરી પ્રકૃત્તિ પ્રત્યેનું ઋણ અદા કર્યુ હતુ.
જિલ્લા આયોજન કચેરી દ્વારા વૃક્ષારોપણ અને વૃક્ષ જતન માટે ખાસ આયોજન કર્યુ તેની નોંધ લઈ આ કામગીરીને બિરદાવતાં જિલ્લા કલેક્ટરશ્રી મકવાણાએ જિલ્લાની અન્ય તમામ કચેરીઓને પણ આ રીતે વૃક્ષારોપણ કાર્યક્રમ કરવા અને વ્યાપક પ્રમાણમાં વૃક્ષો વાવવા માટે સૂચન કર્યુ હતુ. તેઓશ્રીએ ઉમેર્યુ કે, આ વૃક્ષારોપણથી શહેર – જિલ્લામાં માત્ર હરિયાળીમાં વધારો થશે એટલું જ નહિ પરંતુ વૃક્ષોને લીધે કચેરીમાં ઓક્સિજનનું પ્રમાણ પણ વધશે, જે શહેર – જિલ્લાના તાપમાન અને વાતાવરણને પણ તે ઉપયોગી નીવડશે.
આ કાર્યક્રમમાં કલેક્ટરશ્રી ગૌરાંગ મકવાણા સાથે જિલ્લા વિકાસ અધિકારીશ્રી દિનેશ ગુરવ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામકશ્રી, જિલ્લા આયોજન અધિકારીશ્રી, ભૂસ્તરશાસ્ત્રીશ્રી, રેન્જ ફોરેસ્ટ ઓફિસરશ્રી, જિલ્લા આંકડા અધિકારીશ્રી અને આઇ.સી.ડી.એસના પ્રોગ્રામ ઓફિસરશ્રી સહિત ઉપસ્થિત રહ્યા હતા.
Recent Comments