અમરેલી

જિલ્લા આયોજન મંડળની બેઠકમાં મંજૂર થયેલા કામો અને પેન્ડિંગ કામોને સત્વરે પૂર્ણ કરવા સૂચન – રાજ્ય મંત્રી પરસોત્તમભાઈ સોલંકી

મત્સ્યોદ્યોગ, પશુપાલન રાજ્યમંત્રીશ્રી અને અમરેલી જિલ્લા પ્રભારી મંત્રીશ્રી પરસોત્તમભાઈ સોલંકીના અધ્યક્ષ સ્થાને, અમરેલી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા આયોજન મંડળની બેઠક યોજાઈ હતી. જિલ્લાના સર્વાંગી વિકાસ માટે વિકેન્દ્રિત જિલ્લા આયોજન કાર્યક્રમની વિવિધ જોગવાઈઓ તથા અન્ય વિવિધ યોજનાઓ અંતર્ગત વર્ષ ૨૦૨૩-૨૪ માટે રજૂ કરવામાં આવેલા અંદાજે રુ. ૧,૪૯૨ લાખના ૬૦૩ જેટલા વિકાસ કામો મંજૂર કરવામાં આવ્યા હતા.  

  આ બેઠકમાં પ્રભારીમંત્રીશ્રી પરષોત્તમભાઈ સોલંકીએ ઉપસ્થિત અધિકારીશ્રી/ પદાધિકારીશ્રીઓને આયોજન મંડળમાં રજૂ થતાં લોક સુખાકારી માટેના પ્રત્યેક ગામોમાં સ્થાનિક કક્ષાએ પ્રાથમિકતા ધરાવતા લોક સુવિધાના હાથ ધરાયેલા કામો ઝડપથી પૂર્ણ કરવા તથા આયોજન મંડળમાં મંજૂર થયેલા કામોના પ્લાનના એસ્ટીમેટને ટૂંક સમયમાં રજૂ કરી, આ મંજૂર કામો નિયત સમય મર્યાદામાં પૂર્ણ કરવા જણાવ્યુ હતુ. તે ઉપરાંત પ્રભારી મંત્રીશ્રીએ અગાઉના વર્ષોના કામોની વિગતવાર સમીક્ષા કરી જે કામો શરુ થવાના બાકી હોય તો તે કામો સત્વરે શરુ કરી પૂર્ણ કરવા તેમજ પ્રગતિ તળેનાં કામો પણ સત્વરે પૂર્ણ કરવા સૂચના આપી હતી.

      બેઠકમાં અમરેલી જિલ્લા નિવાસી અધિક કલેકટરશ્રી વાળાએ આયોજન મંડળમાં મંજૂર થયેલ કામો સત્વરે હાથ ધરી સમય મર્યાદામાં તે પૂર્ણ થાય તેની તકેદારી રાખવા તમામ અમલીકરણ અધિકારીશ્રીઓને તાકીદ કરી હતી. બેઠકમાં જિલ્લા આયોજન અધિકારી શ્રી અમીને વર્ષ ૨૦૨૩-૨૪ના વર્ષની વિકેન્દ્રિત જિલ્લા આયોજન કાર્યક્રમ હેઠળની વિવિધ જોગવાઈઓનું આયોજન જિલ્લા આયોજન મંડળ બેઠકમાં રજૂ કર્યુ હતુ.

     બેઠકના પ્રારંભે સાંસદશ્રી નારણભાઈ કાછડિયા અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી દિનેશ ગુરવે પ્રભારી મંત્રીશ્રીનું પુષ્પગુચ્છથી સ્વાગત કર્યુ હતુ.  આ બેઠકમાં સાંસદશ્રી નારણભાઈ કાછડીયા,  લાઠી-બાબરાના ધારાસભ્યશ્રી જનકભાઈ તળાવિયા, જિલ્લા પંચાયત સામાજિક સમિતિના ચેરમેનશ્રી, તાલુકા તથા નગરપાલિકાના પદાધિકારીશ્રીઓ તેમજ અધિકારીશ્રીઓ, કર્મચારીશ્રીઓ સહિતના ઉપસ્થિત રહ્યા હતા.

Related Posts