જિલ્લા કલેકટર અજય દહિયાની ઉપસ્થિતિમાં અમરેલી જિલ્લાના પૂર્વ સૈનિકો/સ્વર્ગસ્થ સૈનિકોના ધર્મપત્નીઓનું સંમેલન સંપન્ન
અમરેલી સ્થિત શ્રી સ્વામિનારાયણ મંદિર ખાતે જિલ્લામાં વસવાટ કરતાં પૂર્વ સૈનિકો/સ્વર્ગસ્થ સૈનિકોના ધર્મપત્નીઓનું સંમેલન જિલ્લા કલેકટરશ્રી અજય દહિયાના અધ્યક્ષ સ્થાને યોજાયું હતું. જિલ્લાના પૂર્વ સૈનિકો/શહીદ-દિવંગત સૈનિકોના આશ્રિતોને આપવામાં આવતી કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ સહાયકીય યોજનાઓની વિગતો પૂરી પાડવા અને તેમના વિવિધ પ્રશ્નો અને સમસ્યાઓના હકારાત્મક નિરાકરણ માટેનો આ સંમેલનનો મુખ્ય ઉદ્દેશ છે. આ સંમેલનનું આયોજન રાજકોટ જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ કચેરી દ્વારા કરવામાં આવ્યુ હતુ. સંમેલનમાં દિવંગત, શહીદ વીર જવાનોને સ્મરણ અંજલિ આપવામાં આવી હતી. શહીદ વીર જવાનોની ધર્મપત્નીઓનું સન્માન કરવામાં આવ્યુ હતુ. ઉલ્લેખનીય છે કે, ભારતીય સેના અને ભારતીય સૈનિકો ભારત રાષ્ટ્રનું ગૌરવ છે. જિલ્લા કલેકટરશ્રીએ કહ્યુ કે, આપણા સૈનિકો કપરી પરિસ્થિતિમાં પણ આપણા દેશની સરહદોની સુરક્ષા કરીને આપણા દેશને સુરક્ષિત રાખે છે.
અમરેલી જિલ્લાના પૂર્વ સૈનિકો/સ્વર્ગસ્થ સૈનિકોના ધર્મપત્નીઓના સંમેલનમાં જિલ્લા કલેકટરશ્રી અજય દહિયાએ ઉમેર્યુ કે, જિલ્લા વહીવટી તંત્ર પૂર્વ સૈનિકો ઉપરાંત સ્વર્ગસ્થ સૈનિકોના આશ્રિતોના વિવિધ પ્રશ્નો, સમસ્યાઓ ધ્યાનથી સાંભળશે અને તેના હકારાત્મક નિરાકરણ માટે શક્ય તમામ પ્રયત્નો કરવામાં આવશે.
અમરેલી જિલ્લાના પૂર્વ સૈનિકો/સ્વર્ગસ્થ સૈનિકોના ધર્મપત્નીઓના સંમેલનમાં નિવૃત્ત કમાન્ડર અને રાજકોટ જિલ્લા સૈનિક કલ્યાણ, પુનર્વસવાટ કચેરીના અધિકારીશ્રી પવનકુમાર, કર્મચારીગણ, બહોળી સંખ્યામાં પૂર્વ સૈનિકો/સ્વર્ગસ્થ સૈનિકોના ધર્મપત્નીઓ અને તેમના આશ્રિતો ઉપસ્થિત રહ્યા હતા.
Recent Comments