fbpx
ભાવનગર

જિલ્લા કલેકટર દ્વારા ‘ખાસ સંક્ષિપ્ત મતદાતા નોંધણી ઝુંબેશ’ અંતર્ગત પ્રેસ કોન્ફરન્સ

ચૂંટણી પંચની સુચના અનુસાર જિલ્લામાં આજથી ‘ખાસ સંક્ષિપ્ત મતદાતા નોંધણી’ ઝુંબેશની શરૂઆત કરવામાં આવી છે. જેને અનુલક્ષીને જિલ્લા કલેકટરશ્રી યોગેશ નિરગુડેએ જિલ્લાના પત્રકાર મિત્રો સાથે પત્રકાર પરિષદ યોજી ચૂંટણી પંચની ખાસ મતદાર નોંધણીની પ્રક્રિયા અને ઝુંબેશ અંગેની વિસ્તૃત વિગતો આપી હતી.

        કલેકટરશ્રીએ જણાવ્યું કે, ૧ ઓક્ટોબર, ૨૦૨૨ ની સ્થિતિએ ૧૮ વર્ષ પૂર્ણ કરતાં હોય તેવી કોઈપણ વ્યક્તિ મતદાર નોંધણી કર્યા વગરની ન રહે તે માટે આ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે.

        પહેલાં ચૂંટણી પંચની સૂચના મુજબ તા ૦૧ જાન્યુઆરી, ૨૦૦૪ પહેલાં જન્મેલાં બાળકો આ માટે લાયકાત ધરાવતાં હતાં, પરંતુ અત્યારની આ ઝુંબેશ અંતર્ગત તા ૦૧ ઓક્ટોબર,૨૦૦૪ સુધી જન્મેલાં બાળકોનો પણ સમાવેશ કરવામાં આવશે.

        આ માટે તા  ૨૧ અને ૨૮ ઓગસ્ટ અને તા ૦૪ અને ૧૧ સપ્ટેમ્બરના રોજ સવારે ૧૦-૦૦ કલાકથી સાંજે ૫-૦૦ કલાક સુધી મતદાન નોંધણી ઝુંબેશ ચલાવીને જે- તે બુથ ખાતે બી.એલ.ઓ. ની  ઉપસ્થિતિમાં મતદાતા નોંધણી કરવામાં આવશે.

        આ સિવાયના વચ્ચેના દિવસોએ પણ બુથ લેવલ ઓફિસર ઘરે- ઘરે જઈને પાત્રતા ધરાવતાં મતદારોની નોંધણી કરશે.

        તેમણે વધુમાં જણાવ્યું કે, આસિસ્ટન્ટ રિટર્નિગ ઓફિસર સહિતના અધિકારીઓ આ બુથોની મુલાકાત લઈને વધુમાં વધુ નોંધણી થાય તેની તકેદારી રાખશે. રાજ્ય સરકાર દ્વારા આ માટે ભાવનગર જિલ્લાના રોલ ઓબ્ઝર્વર તરીકે શ્રી નાગરાજન (આઈ.એ.એસ.)ની આ માટે માર્ગદર્શન આપવા માટે ખાસ નિમણૂંક કરી છે.

        તેમણે અપીલ કરતાં જણાવ્યું કે, મૃત્યુ અને લગ્નને કારણે કે અન્યત્ર રહેઠાણ બદલવાને કારણે જે મતદારોનું નામ કમી કરવાનું થતું હોય તેમનું નામ દૂર કરી મતદારયાદી શુદ્ધિકરણ પણ આ સાથે જ કરવામાં આવશે.

        જે લોકોએ મતદાતા નોંધણી કેન્દ્ર સુધીના જવું ન હોય તેઓ ડિજિટલ રીતે પણ પોતાનું નામ નોંધાવી શકે છે. આ માટે તેઓ એન.વી.એસ.વી. પોર્ટલ અને વોટર હેલ્પ એપ્લિકેશનથી પોતાનું નામ નોંધાવી શકે છે.આ રીતે નોંધાવેલું નામ આપોઆપ મતદાર યાદીમાં આવી જશે.

        તો આવાં પાત્રતા ધરાવતાં મતદારો સત્વરે તેઓને નોંધણી કરાવી દે. આ સાથે જિલ્લાના નાગરિકો ચૂંટણી કાર્ડ સાથે આધાર લિંક કરવાં માટે તંત્રની મદદ કરે.જેથી કરીને તેનું ડુપ્લિકેશન અટકાવી શકાય એમ તેમણે વધુમાં જણાવ્યું હતું.

        તેમણે આવનાર ચૂંટણીમાં ભાવનગરમાંથી વધુમાં વધુ મતદાન થાય તે માટે મતદાતાઓ આગળ આવે તે માટે અનુરોધ કર્યો હતો.

Follow Me:

Related Posts