રાજ્યમાં વેપાર ઉદ્યોગોને પ્રોત્સાહન આપવાના ભાગરૂપે યોજાતી વાઇબ્રન્ટ ગુજરાત ઇન્વેસ્ટર્સ સમિટના ભાગરૂપે આગામી વર્ષે યોજાનાર સમારોહમાં જિલ્લા કક્ષાએથી ઉદ્યોગકારો, વેપાર સમૂહોનું પ્રતિનિધિત્વ થાય તેવા ઉદ્દેશથી જિલ્લા કક્ષાએ વાઇબ્રન્ટ સમારોહના ઉપલક્ષમાં એક દિવસીય કાર્યક્રમ યોજાશે. અમરેલી જિલ્લાનો કાર્યક્રમ આગામી ૦૩ ઓક્ટોબર, ૨૦૨૩ મંગળવારના રોજ શાંતાબા મેડિકલ કોલેજના ઓડિટોરીયમમાં યોજાશે. આ કાર્યક્રમના સુચારું આયોજન માટે જિલ્લા કલેક્ટરશ્રીના અધ્યક્ષ સ્થાને આજરોજ જિલ્લા પંચાયતના કોન્ફરન્સ હોલ અમરેલી ખાતે બેઠક યોજાઈ હતી.
ગુજરાત રાજ્યના વેપાર-ધંધા ઉદ્યોગોના વિકાસ માટે રાજ્ય સરકાર દ્વારા યોજાતી વાઇબ્રન્ટ સમિટ આગામી સમયમાં ગાંધીનગર ખાતે યોજાશે જેના ઉપલક્ષમાં જિલ્લાકક્ષાએ વાઇબ્રન્ટ ગુજરાત-વાઇબ્રન્ટ અમરેલી તા.૩ ઓક્ટોબરના રોજ એક દિવસીય -પ્રદર્શન યોજાશે જેમાં ઉદ્યોગ અને રોજગાર સહિતના વિવિધ ક્ષેત્રોના તજજ્ઞો દ્વારા વિચાર વિમર્શ કરવામાં આવશે.
આ બેઠકમાં જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના મેનેજરશ્રી, એસ.બી.ભાટીયાએ જણાવ્યું હતુ કે, આ કાર્યક્રમ દ્વારા ઉદ્યોગ તથા રોજગારને લગતી કલ્યાણકારી યોજનાની જાણકારી સરળતાથી મળી રહે તે માટે ઉદ્યોગ કેન્દ્ર, ઔદ્યોગિક સહકારી મંડળી, જિલ્લા રોજગાર કચેરી, જિલ્લા પોલીસ અધિક્ષકશ્રીની કચેરી, શ્રમ આયુક્તની કચેરી, આઇ.ટી.આઇ કચેરી, આત્મા કચેરી, ખેતીવાડી –બાગાયત વિભાગ, ખોરાક અને ઔષધ નિયમન તંત્ર લીડ બેંક (સરકારી-ખાનગી), દ્વારા સ્ટોલ ઉભા કરવામાં આવશે. જિલ્લાના નાગરિકોને રોજગાર અને ઉદ્યોગક્ષેત્રે લાભ થાય તેમજ જિલ્લાના મોટા ઉદ્યોગ સાથે B2B અને B2 C કાર્યક્રમ યોજાશે. ઉદ્યોગ જગતના નિષ્ણાતો અને સ્થાનિક ઉદ્યોગકારો દ્વારા વિવિધ વિષયો પર એક દિવસીય સેમિનાર પણ યોજાશે.
બેઠકમાં નિવાસી અધિક કલેક્ટરશ્રી આર.બી.વાળાએ કાર્યક્રમના હેતુને અનુલક્ષ્યમાં રાખીને ઉદ્યોગ જગતના વિવિધ એકમો અને વિવિધ સંગઠનોને સહભાગી બનાવવા માટે સૂચન કર્યુ હતું. સમગ્ર કાર્યક્રમના આયોજન અને સ્ટોલ સહિતના આયોજન અંગે સૂચના આપવામાં આવી હતી. આ ઉપરાંત ઉદ્યોગો અને વેપાર જગતના પ્રતિનિધિઓ વધુમાં વધુ જોડાય તે મુજબનું આયોજન કરવાની પણ સૂચના આપવામાં આવી હતી.
આ બેઠકમાં નાયબ પોલીસ અધિક્ષકશ્રી ભંડારી, પ્રાંત અધિકારીશ્રી દેસાઈ સહિતના સંબંધિત અમલીકરણ અધિકારીશ્રીઓ, ઔદ્યોગિક એસોસિએશનના પ્રમુખ-પ્રતિનિધિશ્રીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
Recent Comments