ભાવનગર

જિલ્લા કલેક્ટરશ્રી ગૌરાંગ મકવાણાના અધ્યક્ષ સ્થાને પ્રિ-મોન્સૂન કામગીરી અંગેની બેઠક યોજાઇ

જિલ્લા કલેક્ટરશ્રી ગૌરાંગ મકવાણાના અધ્યક્ષ સ્થાને પ્રિ-મોન્સૂન કામગીરી અંગેની બેઠક વીડિયો કોન્ફરન્સ હોલ ખાતે યોજાઇ હતી. જેમાં ઉપસ્થિત રહેલ સંબંધિત વિભાગોના અધિકારીશ્રીઓને જિલ્લા કલેક્ટરશ્રીએ ચોમાસા પૂર્વે રાખવાની તકેદારી વિશે માર્ગદર્શન પૂરું પાડી જરૂરી સૂચનો કર્યા હતાં.

આ બેઠકમાં જિલ્લા કલેક્ટરશ્રીએ વિવિધ વિભાગોના અધિકારીશ્રીઓને રાહત અને બચાવના સાધનોની પૂર્વ ચકાસણી કરવા, જર્જરિત મકાનો તથા જોખમી વૃક્ષો દૂર કરવા, જિલ્લાના આશ્રયસ્થાનોની ચકાસણી કરવા, તરવૈયાઓની યાદી તૈયાર કરવા, ગટર તથા વરસાદી વહેણની ચકાસણી કરી પાણીના યોગ્ય નિકાલની વ્યવસ્થા કરવા, માછીમારોને સાવચેત કરવાં, રેઇન ગેઇજની ચકાસણી કરવાં,રસ્તાઓનું સમારકામ કરવાં, રાઉન્ડ ધ ક્લોક કંટ્રોલ રૂમ શરૂ કરવાં, વરસાદી આંકડાઓ કંટ્રોલ રૂમ ખાતે સમયસર નોંધાવવાં, તળાવોને ઊંડા ઉતારવાં, ડેમ ઓવરફ્લો થવાના સંજોગોમાં તાત્કાલિક નદીકાંઠાના ગામોને સાવચેત કરવા, જે.સી.બી, બુલડોઝર, ટ્રક વગેરે વાહનોની યાદી તૈયાર કરવી, સ્વૈચ્છીક સંસ્થાઓની યાદી બનાવવા, વીજ પુરવઠો ન ખોરવાય તે અંગેની વ્યવસ્થા કરવા, વાયર લેસ સેટ તથા વાયરલેસ ઓપરેટર ઉપલબ્ધ રાખવાં, આરોગ્ય વ્યવસ્થા સુદ્રઢ કરવાં, દવાઓની વ્યવસ્થા કરવી, પશુઓમાં રોગચાળો ન ફેલાય તે માટે પૂરતી તકેદારી રાખવાં, તાલુકા ગ્રામ્ય કક્ષાએ આપદા મિત્રો તૈયાર કરવા, જોખમી હોર્ડિંગ્સ દૂર કરવા, ઇંધણનો રિઝર્વ સ્ટોક રાખવો, ઘાસનો સ્ટોક ઉપલબ્ધ રાખવો, ગોદામોમાં અનાજ સુરક્ષિત રહે તેની તકેદારી રાખવી, શાળાના મકાનોની ચકાસણી કરવી, વીજ લાઈનની ચકાસણી કરવી વગેરે બાબતે તાત્કાલિક યોગ્ય કાર્યવાહી હાથ ધરવા સૂચના આપી હતી. આ તમામ વ્યવસ્થાઓમાં કોવિડ પ્રોટોકોલનું યોગ્ય પાલન થાય તેની તકેદારી રાખવા પણ જિલ્લા કલેક્ટરશ્રીએ તાકીદ કરી હતી.

જિલ્લા કલેક્ટરશ્રીએ આ તમામ વિભાગોને પ્રિ-મોન્સૂન અંતર્ગત કરવાની થતી કામગીરી અંગેની વિસ્તૃત જાણકારી આપી હતી તેમજ વિભાગો દ્વારા હાલ કેવી તૈયારીઓ કરવામાં આવી છે તેની સમીક્ષા કરી જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
કલેક્ટરશ્રીએ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી જિલ્લાના ગારિયાધાર, મહુવા, ઘોઘા, વલ્લભીપુર સહિતના તાલુકા ખાતે ઉપસ્થિત પ્રાંત અધિકારીઓ અને મામલતદારશ્રીઓને તેઓના તાબા હેઠળના વિસ્તારમાં પાણી ન ભરાય, કાદવ-કીચડ ન થાય તે માટે નદી-નાળા ચેક કરી લેવાં સહિતના પગલાઓ અંગે માર્ગદર્શન આપ્યું હતું.

આ બેઠકમાં ભાવનગર જિલ્લા વિકાસ અધિકારીશ્રી વરૂણ બરનવાલ તથા જિલ્લાના વરિષ્ટ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.

Related Posts