અમરેલી

જિલ્લા કલેક્ટર અજય દહિયાના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઈ અમરેલી જિલ્લામાં તા.૧૭મી સપ્ટેમ્બરથી સ્વચ્છ ભારત અભિયાનનો પ્રારંભ

મહાત્મા ગાંધીજીની જન્મ જયંતિએ તેમને શ્રદ્ધાંજલિ અર્પવા તેમના સ્વચ્છતા માટેના અનુગ્રહને ધ્યાને રાખી ભારત અને રાજય સરકાર દ્વારા સ્વચ્છતા હી સેવા અભિયાન હાથ ધરવામાં આવે છે. સ્વચ્છતા માટે નાગરિકોમાં એક આદત કેળવી શકાય અને કચરા નિકાલ માટે યોગ્ય વ્યવસ્થાપન થાય તે માટે ખાસ ઝુંબેશ શરુ થશે. અમરેલી જિલ્લા સહિત સમગ્ર રાજ્યમાં તા.૧૭ સપ્ટેમ્બર, ૨૦૨૪થી સ્વચ્છતા હી સેવા -૨૦૨૪ અભિયાનનો પ્રારંભ થશે.

અમરેલી જિલ્લામાં સ્વચ્છતા અભિયાનને લોકભાગીદારી સાથે વિવિધ સ્થળોએ કાર્યક્રમો કરવામાં આવશે. આ કાર્યક્રમને જનઆંદોલન સ્વરુપે સફળ બનાવવાના હેતુથી જિલ્લા કલેક્ટરશ્રી અજય દહિયાના અધ્યક્ષ સ્થાને જિલ્લા સેવાસદન ખાતે એક બેઠક યોજાઈ હતી.  સાંસદશ્રી અને જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી ભરતભાઈ સુતરિયા,  વિધાનસભા નાયબ મુખ્ય દંડકશ્રી કૌશિકભાઈ વેકરિયા,  સાવરકુંડલા-લીલીયાના ધારાસભ્યશ્રી મહેશભાઈ કસવાલા, લાઠી-બાબરાના ધારાસભ્યશ્રી જનકભાઈ તળાવિયા, ધારી-બગસરાના ધારાસભ્ય શ્રી જે.વી. કાકડિયાની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયેલી બેઠકમાં નિવાસી અધિક કલેક્ટરશ્રી ગોહિલે કાર્યક્રમના આયોજનની વિગતો આપી હતી. જિલ્લા કલેક્ટરશ્રીએ કહ્યુ કે, સ્વચ્છ ભારત અભિયાન દરમિયાન કચરાની માત્રા વધુ હોય તે સ્થળો પર સફાઈ થશે. પદાધિકારીશ્રીઓના સહકારથી વધુમાં વધુ નાગરિકોને આ કાર્યક્રમમાં જોડવામાં આવશે.  આ સમયગાળા દરમિયાન હાઇ-વે, જાહેર માર્ગો, રેલવે અને બસ સ્ટેશન સહિત જાહેર પરિવહનના સ્થળ, નદી, નાળા, તળાવના કાંઠા સફાઈ,  મુખ્ય માર્ગો, બજાર, ચોક, મહાનુભાવોની પ્રતિમાઓ, સર્કલ, સરકારી અને જાહેર સાહસની કચેરીઓ, નગરપાલિકાના આઉટગ્રોથ વિસ્તારો, પ્રવાસન સ્થળો, ધાર્મિક સ્થળો સહિતના સ્થળોની સઘન સફાઈ થશે.

જાગૃતિ અભિયાનના ભાગરુપે દિવાલ પર ચિત્રો, સ્વચ્છતા રેલી, સાંસ્કૃતિક કાર્યક્રમો, નુક્કડ નાટકો સહિતના વિવિધ માધ્યમો દ્વારા સ્વચ્છતાનો સંદેશ જન-જન સુધી પહોંચાડવાનો પ્રયાસ છે. આ અભિયાનના મહત્વના અંગે એવા સફાઈ મિત્રોનું સન્માન, તેમના આરોગ્યની તપાસણી થશે. જિલ્લા કલેક્ટરશ્રીએ આ કાર્યક્રમના સફળ અને સુચારુ આયોજન માટે દિશાનિર્દેશો આપ્યા હતા. બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી પરિમલ પંડ્યા, અમરેલી પ્રાંત અધિકારીશ્રી નાકિયા, નાયબ પોલીસ અધીક્ષક શ્રી ગોહિલ સહિત અધિકારીશ્રીઓ અને કર્મયોગીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Related Posts