અમરેલી તા. ૧૦ ઓક્ટોબર,૨૩ (મંગળવાર) આત્મા પ્રોજેક્ટ, અમરેલી દ્વારા પ્રાકૃતિક કૃષિ અભિયાન અંતર્ગત જિલ્લા કલેક્ટરશ્રી અજય દહિયાના અધ્યક્ષસ્થાને પ્રાકૃતિક કૃષિને લઈને સમીક્ષા બેઠક યોજાઈ હતી. બેઠકમાં પ્રાકૃતિક કૃષિ ક્લસ્ટર બેઇઝ તાલીમમાં થયેલ કામગીરી બાબતે ચર્ચા કરવામાં આવી હતી. સપ્ટેમ્બર મહીનાના અંત સુધીમાં જીલ્લામાં કુલ ૨૮૮૦ ક્લસ્ટર તાલીમો યોજવામાં આવી હતી. તાલીમમાં કુલ ૫૨૮૫૩ ખેડૂતોને પ્રાકૃતિક કૃષિના જુદા જુદા આયામો વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતુ. જિલ્લામાં ખેતીવાડી અને આત્મા પ્રોજેક્ટના સ્ટાફ દ્વારા ૧૫૭૬ જેટલી ફિલ્ડ વિઝીટ દ્વારા ખેડૂતોને પ્રાકૃતિક કૃષિનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતુ.
આત્મા પ્રોજેક્ટ અને ખેતીવાડી સ્ટાફ દ્વારા ૪૮૮ જીવામૃતનાં નિદર્શન દ્વારા ખેડૂતોને પ્રાકૃતિક કૃષિની માહિતી પણ આપવામાં આવી હતી. સમીક્ષા બેઠકમાં જિલ્લા કલેકટરશ્રી દ્વારા દરેક તાલુકામાં આગામી રવિ ઋતુના લક્ષ્યાંક મુજબ દરેક ક્લસ્ટરમાં કામગીરી કરવા સૂચના આપવામાં આવી હતી. ઉપરાંત દરેક ગામમાં ૭૫ ખેડૂતો પ્રાકૃતિક કૃષિ કરતા થાય તે માટે તાલીમો અને જીવામૃત નિદર્શનો વધુમાં વધુ આયોજિત થાય તેવું આયોજન કરવા તેમજ જીવામૃત તૈયાર મળી રહે તે માટે દરેક તાલુકાની ગૌશાળા અને પાંજરાપોળનો સંપર્ક કરી આ અભિયાનમાં તેઓને સામેલ કરવા પર ભાર મુકવામાં આવ્યો હતો. આગામી ખરીફ સીઝનમાં પ્રાકૃતિક કૃષિ દ્વારા ઉત્પાદિત ખેત પેદાશોના વેચાણ માટે દરેક તાલુકામાં વેચાણ કેન્દ્રો ઉપર શાકભાજી અને કઠોળ તેમજ અન્ય ખેત પેદાશોનું અઠવાડિયામાં બે દિવસ વેચાણ શરુ કરવા વિષયક ચર્ચા કરવામાં આવી હતી.
બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી દિનેશ ગુરવે જણાવ્યું કે, વેચાણ કેન્દ્રમાં વધુમાં વધુ ખેડૂતો અને ગ્રાહકો જોડાઈ શકે તે માટે વોટ્સએપ ગૃપ બનાવી માહિતીના આદાન પ્રદાન પર ભાર આપવો જરૂરી છે. બેઠકમાં જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી, પ્રોજેક્ટ ડાયરેકટરશ્રી- આત્મા, નાયબ બાગાયત નિયામકશ્રી, કે.વી.કેના વૈજ્ઞાનિકશ્રી તેમજ કૃષિ સંસોધન કેન્દ્રના અધિકારીશ્રી, ડેપ્યુટી પ્રોજેક્ટ ડાયરેક્ટર તેમજ દરેક તાલુકાના પ્રાકૃતિક કૃષિના નોડલ ઓફિસરશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Recent Comments