જિલ્લા કલેક્ટર અજય દહિયાના અધ્યક્ષ સ્થાને જિલ્લા પ્રવાસન વિકાસ સમિતિની સમીક્ષા બેઠક યોજાઇ

અમરેલી જિલ્લા સેવા સદન ખાતે જિલ્લા કલેક્ટરશ્રી અજય દહિયાના અધ્યક્ષ સ્થાને જિલ્લા પ્રવાસન વિકાસ સમિતિની સમીક્ષા બેઠક યોજાઇ હતી. જિલ્લાના પ્રવાસન સ્થળો ખાતે વિવિધ પ્રકારના વિકાસકાર્યો માટે કામગીરી ઝડપથી આગળ ધપે તે માટે જિલ્લા કલેક્ટરશ્રી અજય દહિયાએ, સંબંધિત પ્રાંત અધિકારીશ્રી સહિતના અધિકારીશ્રીઓને જરુરી સૂચનાઓ સાથે દિશાદર્શન કર્યુ હતુ.
બેઠકમાં સાંસદ શ્રી ભરતભાઈ સુતરિયા, ગુજરાત વિધાનસભા નાયબ મુખ્ય દંડકશ્રી કૌશિકભાઈ વેકરિયા, ધારી-બગસરા વિસ્તારના ધારાસભ્યશ્રી જે.વી.કાકડિયા, સાવરકુંડલા-લીલીયા વિસ્તારના ધારાસભ્યશ્રી મહેશભાઈ કસવાલા, લાઠી-બાબરા વિસ્તારના ધારાસભ્યશ્રી જનકભાઈ તળાવિયા સહિતનાઓની વિશેષ ઉપસ્થિતિમાં જિલ્લાના વિવિધ પ્રવાસન સ્થળોના વિકાસ માટે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.
ધારીના આંબરડી સફારી પાર્ક ખાતે વિકાસકાર્યો હાથ ધરવા અંગે ચર્ચા કરવામાં આવી હતી. અમરેલી શહેરમાં આઇકોનિક હેરિટેજ ટાવર છે તેના રિસ્ટોરેશનની કામગીરી આગળ ધપાવવાની નેમ છે. ધારીના આંબરડી સફારી પાર્કની નજીકના વિસ્તારમાં આગામી સમયમાં વિકાસ કામો થશે, દુધાળા ખાતે ઓપન સફારી પાર્ક વિકસિત કરવા બાબતે વન વિભાગ સાથે બેઠક યોજવામાં આવશે.
દેવળીયા પૌરાણિક શિવ મંદિર અને પૌરાણિક વાવ છે, તે જગ્યાના વિકાસ માટે કામગીરી થશે. રાજુલાના ધાતરવડી ડેમ-૧ની પર નાગરિકોની મોટા પ્રમાણમાં અવરજવર રહે છે, મુલાકાતીઓને વિશેષ સુવિધા મળે તે માટે બાંકડા, ટોઇલેટ બ્લોક, ગાર્ડન સહિતની સુવિધાઓ વિકસવવામાં આવશે. સાવરકુંડલા-ગીરધર વાવને વિકસિત કરવા બાબતે ચર્ચા કરવામાં આવી હતી. સમગ્ર બેઠકનું સંચાલન નિવાસી અધિક કલેક્ટરશ્રી ગોહિલે કર્યુ હતુ. જિલ્લા પ્રવાસન વિકાસ સમિતિની બેઠકમાં જિલ્લાના સર્વે પ્રાંત અધિકારીશ્રી સહિત સંબંધિત અધિકારીશ્રી ઉપસ્થિત રહ્યા હતા.
Recent Comments