fbpx
અમરેલી

જિલ્લા પંચાયત પ્રમુખ સુશ્રી રેખાબેન મોવલીયા હસ્તે સાવરકુંડલા ખાતે ઓક્સિજન પ્લાન્ટનું લોકાર્પણ કરાયું : કોરોના વોરિયર્સને સન્માનપત્રોનું વિતરણ કરાયુ

મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલના નેતૃત્વ હેઠળની વર્તમાન રાજ્ય સરકારના પાંચ વર્ષનો યશસ્વી કાર્યકાળ પૂર્ણ થતાં રાજ્યભરમાં ઉજવાઇ રહેલ ‘પાંચ વર્ષ આપણી સરકારના સૌનો સાથ સૌનો વિકાસના’ કાર્યક્રમના સાતમા દિવસે એટલે કે આજે વિકાસ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેના ભાગરૂપે સાવરકુંડલા સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ સુશ્રી રેખાબેન મોવલીયાની અધ્યક્ષતામાં અને ધારી-ખાંભા-બગસરા વિસ્તારના ધારાસભ્ય શ્રી જે. વી. કાકડીયાની પ્રેરક ઉપસ્થિતિ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં સાવરકુંડલા સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે તૈયાર કરવામાં આવેલા ઓક્સિજન પ્લાન્ટનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. અમરેલી જિલ્લાના ૧૦૦% વેકસીનેશન પૂર્ણ કરનાર ગામોમાં સરપંચશ્રીઓનું સન્માન કરવામાં આવ્યું હતું.

ધારાસભ્ય શ્રી જે. વી. કાકડીયાએ પ્રાસંગિક ઉદબોધન આપતા જણાવ્યું હતું કે સમગ્ર ગુજરાતમાં કોરોના કાળમાં રાજ્ય સરકાર દ્વારા અભૂતપૂર્વ કાર્યો કરવામાં આવ્યા છે. જિલ્લાના અધિકારીઓ અને પદાધિકારીઓને અભિનંદન આપતા તેઓએ ઉમેર્યું હતું કે આજે અમરેલી જિલ્લાના ૨૫ થી વધારે ગામોમાં ૧૦૦% વેકસીનેશન પૂર્ણ કરવામાં આવ્યું છે. હવે પછીના દિવસોમાં ગામનો એકપણ વ્યક્તિ વેકસીન લેવામાં બાકી ન રહે એ દિશામાં કામ કરવા અપીલ કરી હતી.

અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી કૌશિકભાઈ વેકરીયાએ જણાવ્યું હતું કે મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઈ પટેલની આ રાજ્ય સરકારને પાંચ વર્ષ પુરા થાય છે ત્યારે આજે વિકાસ દિવસ નિમિત્તે આરોગ્ય સુખાકારી કાર્યક્રમની ઉજવણી પ્રસંગે રાજ્યની સરકારે કોવિડની પરિસ્થિતિમાં આરોગ્યલક્ષી સુવિધાઓ તાત્કાલિક ઉપલબ્ધ કરાવી લોકોના જીવ બચાવવાનું ઉમદા કર્યું છે તે પ્રશંસનીય છે. 

આ તકે મહાનુભાવોના વરદ હસ્તે કોરોનાકાળમાં કોરોના વોરિયર્સની કામગીરીને બિરદાવી સન્માનપત્રો એનાયત કર્યા હતા. આ તકે ઉપસ્થિત સૌએ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીનો હિંમતનગર ખાતેનો કાર્યક્રમ નિહાળ્યો હતો. સાવરકુંડલાના ઓક્સિજન પ્લાન્ટની સાથે સાથે લાઠી અને રાજુલા ખાતે પણ ઓક્સિજન પ્લાન્ટ તૈયાર કરવામાં આવ્યા છે.

આ પ્રસંગે જિલ્લા કલેકટર શ્રી ગૌરાંગ મકવાણા, જિલ્લા વિકાસ અધિકારી શ્રી દિનેશ ગૂરવ, આરોગ્ય સમિતિના ચેરમેન સુશ્રી કંચનબેન ડેર, પ્રાંત અધિકારી શ્રી આર. આર. ગોહીલ, તાલુકા પંચાયત પ્રમુખ શ્રી જયસુખભાઈ સાવલિયા તેમજ વિવિધ સમિતિઓના ચેરમેનશ્રી સહિતના પદાધિકારીઓ તેમજ આરોગ્ય, નગરપાલિકા સહિતના વહીવટી તંત્રના વિવિધ વિભાગોના અધિકારી કર્મચારીઓ ઉપસ્થિત રહ્યાં હતા.

Follow Me:

Related Posts