અમરેલી

જિલ્લા મહિલા અને બાળ કચેરી દ્વારા લીલીયામાં મહિલા જાગૃત્તિ શિબિર સંપન્ન

જિલ્લા મહિલા અને બાળ કચેરી અમરેલી દ્વારા તાજેતરમાં લીલીયા સ્થિત BRC ભવનમાં મહિલા જાગૃત્તિ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાત રાજ્ય મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ ગાંધીનગર પ્રેરિત, આ શિબિરમાં મહિલાઓ અને દીકરીઓનાં રોજગાર, મહિલા સ્વાવલંબન યોજના, શક્તિ મેળા, વ્હાલી દીકરી યોજના, ગંગા સ્વરુપા પુનઃ લગ્ન આર્થિક સહાય યોજના, મફત કાનૂની સહાય અને  કાયદો, મહિલાલક્ષી કાયદાઓ જેવા કે ઘરેલુ હિંસા, ભરણ પોષણ, દહેજ પ્રતિબંધક અધિનિયમ, ભારતીય દંડ સંહિતાને લગતી અન્ય જોગવાઈઓની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.

      જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ અમરેલીના સચિવશ્રી જાની દ્વારા મહિલાઓને આ અંગે જરુરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.  જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રી અમરેલી દ્વારા શિબિરનો હેતુ, NALSA અને રાષ્ટ્રીય મહિલા આયોગનાં ઉદ્દભવ, મહિલાઓનાં આર્થિક ઉત્કર્ષ માટેની GWEDCની યોજનાઓ તેમજ બેંક , રોજગાર કચેરી અને જિલ્લા ઉદ્યોગ કેન્દ્રની યોજનાઓ વિશે માહિતી આપવામાં આવી હતી.

મહિલા એડવોકેટ શ્રી ખોખર દ્વારા આઈપીસીમાં મહિલાલક્ષી જોગવાઈઓ વિશે છણાવટ કરવામાં આવી હતી. વકીલશ્રી પાઠક દ્વારા ફેમિલી-લૉ વિશે જાણકારી આપવામાં આવી હતી. સીડીપીઓ શ્રી શ્રદ્ધા બેન શુક્લ દ્વારા સંકલિત બાળ વિકાસની યોજનાઓ વિશે માહિતી આપવામાં આવી હતી. કાર્યક્રમમાં મહિલા અને બાળ વિકાસ વિભાગની યોજનાકીય  પુસ્તિકાઓ, તમામ યોજનાકીય પેમ્ફલેટ, જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના પેમ્ફલેટ વગેરે સાહિત્ય તમામ ઉપસ્થિત લોકોને આપવામાં આવ્યું હતું, તેમ જિલ્લા જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રીએ એક યાદીમાં જણાવ્યું છે.

Related Posts