fbpx
ભાવનગર

જિલ્લા માહિતી કચેરી, ભાવનગર અને ગુજરાત પ્રેસ અકાદમી, ગાંધીનગરના સંયુક્ત ઉપક્રમે આઝાદીના અમૃત પર્વની ઉજવણીની ભાગરૂપે ભાવનગર ખાતે પરિસંવાદ યોજાયો

જિલ્લા માહિતી કચેરી, ભાવનગર અને ગુજરાત પ્રેસ અકાદમી, ગાંધીનગરના સંયુક્ત ઉપક્રમે ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ કાર્યક્રમ અંતર્ગત આઝાદીના સંગ્રામમાં ભાવનગર જિલ્લાનું યોગદાન વિષય પર પરિસંવાદનું આયોજન કરાયું હતું.

જિલ્લા પંચાયતના સભાગૃહ ખાતે યોજાયેલાં પરિસંવાદમાં અધ્યક્ષ સ્થાને ઉપસ્થિત રહેલાં જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી ભરતસિંહ ગોહિલે જણાવ્યું કે, ભારતના ભવ્ય ભૂતકાળને વાગોળવાં અને ઇતિહાસને નવી પેઢી સુધી પહોંચવાડવાનું સશક્ત માધ્યમ મીડિયા છે.

રાજ્ય સરકારના માહિતી ખાતાના દ્વારા ખૂબ સરસ વિષયને લઇને ભારતની આઝાદીના ૭૫ માં વર્ષની ઉજવણી કરવામાં આવી રહી છે તે અભિનંદનને પાત્ર છે તેમ જણાવી તેમણે પત્રકારોને નિડરતાથી પોતાનો પત્રકાર ધર્મ નિભાવી સત્યને ઉજાગર કરે તેમ જણાવ્યું હતું.

તેમણે કહ્યું કે, સાચી માહિતીના પ્રસારણ સાથે ભારતના ઇતિહાસને ઉજાગર કરવાનું સામર્થ્ય અને શક્તિ મીડિયામાં રહેલી છે. આજે એક સાથે ભાવનગરના તમામ મીડિયાના મિત્રો ઉપસ્થિત છે તે આનંદની વાત છે. આઝાદીની લડાઇમાં પત્રકારોનો મહત્વનો ફાળો તે જમાનામાં રહેલો છે. તે જ રીતે આજની પેઢીને આઝાદી કાળના સંસ્મરણો તાજા કરાવતાં રહેવાની જવાબદારી મીડિયાની છે.

તેમણે ભવિષ્યમાં સંવાદની આ કડી જાળવી રાખતાં જિલ્લા પંચાયત દ્વારા પણ આ પ્રકારનો સેમિનાર માહિતી ખાતાના સહકારથી કરવાની તત્પરતાં દર્શાવી હતી.

ઇન્ડો- તિબ્બત સહયોગ મંચના ભારતના પ્રતિનિધિશ્રી નાનુભાઇ ડાંખરાએ જે દેશ ઇતિહાસને ભૂલી જાય છે તેને ઇતિહાસ ભૂલી જાય છે અને તેવાં દેશનું પતન થાય છે.

તેમણે કહ્યું કે, હરિયાણાના સોનીપતમાં એક સેમિનારમાં તેઓ ગયાં હતાં. ત્યાં તેમણે કોઇકે પૂછ્યું કે, ક્યાંથી આવો છો ? તો તેના જવાબમાં ભાવનગરથી આવું છું, તેવું કહેતાં સામેની વ્યક્તિએ કહ્યું કે, ‘દેશ કો બનાનેવાલે નગર સે હૈ’  તેમ કહ્યું હતું તે ભાવનગરનું દેશમાં કેવું અને કેટલું માન છે તે દર્શાવે છે.

તેમણે કહ્યું કે, નાના સાહેબ પેશ્વાએ ભાવનગરના તેમના પાંચ સાથીઓ સાથે આશરો લીધો હતો. તેમના સાથીઓના ચાર પાળિયા આજે પણ પીર તરીકે પૂજાય છે. આ વફાદારોએ વળાવળ ગામે નાના સાહેબ પેશ્વાને  બધી ગુપ્ત માહિતી આપતાં હતાં. આ વફાદારોમાંથી એક એવાં ગરીબશા પીરની દરગાહ પર આપણે શીશ ઝૂકાવીએ છીએ. પણ કેમ ઝૂકાવીએ છીએ તે આપણને ખબર નથી. તેને આજે જાણવાની જરૂર છે.

તે જ રીતે પાલિતાણાના જોરસિંહજી કવિ ભૂતડિયા ગામમાં સંસ્થાને નામે આઝાદીના સંગ્રામના લડવૈયાને આશરો આપતાં હતાં. શેત્રુંજી ડેમના પાછળના જંગલ વિસ્તારમાં આ સંસ્થા ચલાવતાં હતાં જેથી અંગ્રેજોને તેની ખબર ન પડે. તેમના પત્ની કસ્તૂરબા વાળુકડ ગામમાં આઝાદીના લડવૈયાઓને રોટલાં બનાવીને ખવડાવતાં હતાં. આઝાદી બાદ આ બંન્ને ધારાસભ્ય પણ બન્યાં હતાં.

ભાવનગરના પૂર્વ સંસદ સભ્યશ્રી રાજેન્દ્રસિંહ રાણાના પરદાદા સરદારસિંહજી રાણા આઝાદીની લડત વખતના પત્રકાર હતાં. તેમના પત્રમાં શ્યામજીકૃષ્ણ વર્મા તંત્રી હતાં.

આઝાદીની લડતનો ઇતિહાસ આપણે સને-૧૯૪૭ થી રજૂ કરીએ છીએ પરંતુ ૧૮૫૭ માં મંગલ પાંડેએ કારતૂસ પર ગાયની ચરબી લગાવેલાં કારતૂસનો ઉપયોગ કરવાની ન પાડી ત્યારથી થઇ ગઇ હતી. અને તેનાથી આગળ પણ કોળી- ખારવાં સમાજે અંગ્રેજો સામે બગાવત કરી હતી ત્યારથી આઝાદીની લડતના મંડાણ થઇ ગયાં હતાં તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું.

શામળદાસ કોલેજના ઇતિહાસ વિભાગાના અધ્યક્ષશ્રી ડો. એલ. યુ. વાઢેરે પરિસંવાદમાં જણાવ્યું કે, આઝાદીની લડતમાં વકીલ, પત્રકાર અને શિક્ષકોએ મહત્વનું પ્રદાન કર્યું હતું. ઝવેરચંદ મેઘાણી અને અમૃતલાલ ઠક્કરે પત્રકારત્વની મશાલ પ્રજ્વલિત રાખી હતી તો નાનાભાઇ ભટ્ટ અને ગીજુભાઇ બધેકાએ શિક્ષક ધર્મ નિભાવી સમાજને જાગૃત કરવાનું કાર્ય કર્યું હતું.

મનહરલાલ મણીલાલ બક્ષી, વીરચંદ પાનાચંદ શાહ, નાનાભાઇ ભટ્ટ રસીકલાલ શાહ, ગોપાળલાલ વગેરેએ ધોલેરા મીઠા સત્યાગ્રહમાં ભાગ લીધો હતો. તેમને તે માટે જેલમાં પણ જવું પડ્યું હતું.

તેમણે આઝાદીની ઉજવણી અર્થધન્ય કાર્ય છે તેમ જણાવી આઝાદીની લડતમાં મહિલાઓ પણ પાછળ નહોતી. અખિલેશ્વરીબેન મહેતાએ પીકેટીંગનું કાર્ય કર્યું હતું. પ્રભાત ફેરી દ્વારા લોકોને જાગૃત કરવાનું કાર્ય કર્યું હતું.

ભાવનગર તે સમયે સમગ્ર દેશમાં સૌથી શાંત શહેર હતું અને તેમણે ગાંધીજીને માનપત્ર આપવાની ન પાડી દીધી હતી. કારણ કે તેમને ગાંધીજી પ્રવૃત્તિ આંદોલનકારી જણાઇ હતી અને તેનાથી એક શિરસ્તો થઇ જવાનો પણ ડર હતો.

ભારત દેશનો ગૌરવવંતો ઇતિહાસ રહ્યો છે.  તે જ રીતે ભાવનગરનો પણ ગૌરવવંતો ઇતિહાસ રહ્યો છે. ભાવનગરના મહારાજા ભાવસિંહજી બીજાનાં કોલ્હાપુરના મહારાજા શાહુજી મહારાજ જીગરજાન દોસ્ત હતાં. અને તેમના માનમાં મહારાજાએ કોલ્હાપુર શહેરના એક રોડનું નામ ‘ભાવસંગજી રોડ’ એવું આપ્યું છે.

ભાવનગરમાં ભાવસિંહજીએ એક શાળા શરૂ કરી હતી કૃષ્ણકુમારસિંહજીએ ૩૦ શાળાઓ શરૂ કરી હતી. ભાવનગરના દિવાનો એટલાં બાહોશ હતાં કે એક વાર જાણીતા પત્રકારશ્રી ડો. ચંદ્રકાંત બક્ષીએ લખ્યું હતું કે, વહેલી સવારે ભાવનગરના દિવાનપરાંમાં જાઓ અને જે કોઇ નવયુવાન પાઘડી પહેરીને જતો હોય તેને તમારા રાજ્યનો દિવાન બનાવી દો. ભાવનગરના દિવાનપરાંએ ગૌરીશંકર ઓઝા અને પ્રભાશંકર પટ્ટણી જેવાં બાહોશ દિવાનો પેદા થયાં છે.

ટી.વી. ૯ ના વરિષ્ટ પત્રકારશ્રી અજીત ગઢવીએ જણાવ્યું કે, તે સમયે ૧૮૦૦ ગામના પાદરના ધણીનું બનેલું ભાવનગર સમૃધ્ધ, શિક્ષિત અને સંસ્કારી નગર હતું.

પત્રકાર શિરોમણી ઝવેરચંદ મેઘાણી અને ગાંધીજી ભાવનગરની શામળદાસ કોલેજમાં અભ્યાસ કરી ચૂક્યાં છે. તે ભાવનગર માટે ગૌરવની વાત છે. ગાંધીજીમાં આઝાદ ભારતના સ્વપ્નના બીજ શામળદાસ કોલેજના અભ્યાસ દરમિયાન જ રોપાંયાં હતાં.

તેમણે કહ્યું કે, આજે આપણે શાંતિનો અનુભવ કરીએ છીએ તેની પાછળ અનેક નામી-અનામી વ્યક્તિઓનું પ્રદાન રહેલું છે.

ભાવનગરના મહારાજા કૃષ્ણકુમારસિંહજીએ ભારતને એક અને અખંડ બનાવવાં માટે સૌ પ્રથમ પોતાનું રાજ્ય આપી દીધું હતું.

સરદાર પટેલને પોતાનું રાજ્ય આપવાં માટેની સહી કરવાં માટે પોતાનું રાજ્ય અર્પણ કરવાં સમયની વાત કરતાં શ્રી ગઢવીએ જણાવ્યું કે, મહારાજાએ પોતાનું રાજ્ય લખી આપવાની ૫ મીનીટ પહેલાં સરદાર સાહેબને કહ્યું કે, હું મારા ધર્મપત્નીને પૂછીને કહું .. કારણ કે રાજ્ય મારી સંપત્તિ છે પણ મહારાણીએ લાવેલ દાયજો તેમની સંપત્તિ છે તો તેમને પૂછવું પડે. અને જ્યારે કૃષ્ણકુમારસિંહજીએ જણાવ્યું કે, મહારાણી તમારે શું કરવાનું છે. ત્યારે મહારાણીએ મહારાજને કહ્યું કે, જ્યારે તમે હાથી આપતાં હોય તો હાથી શણગાર વગર સારો લાગે…. અને મહારાણીએ તેમનો દાયજો પણ રાષ્ટ્રને ચરણે ધરી દીધો હતો. આવાં પ્રજાવત્સલ રાજવીએ આખું ગોહિલવાડ રાષ્ટ્રને ચરણે ધરી દીધું એવું ભાવનગર છે.

એવો જ બીજા એક કિસ્સામાં ભાવનગરના શિહોરના ખેડૂતના બે બળદ ચોરાઇ ગયાં હતાં. તેથી તે અભણને ખબર પડી કે, મહારાજ મદ્વાસમાં છે. તો તે ત્યાં જઇને મહારાજને કહ્યું કે, મારા બળદની ચોરી થઇ છે. તે વખતે કૃષ્ણકુમારસિંહજી મદ્વાસના ગવર્નર હતાં અને હવે રાજા ન હતાં. છતાં, સમજી ગયાં કે, આ ખેડૂતને તેની ખબર નથી અને તેના માટે હું હજું રાજા છું. મહારાજે આ જાણીને ખેડૂતને તે જમાનામાં રૂા. ૫ હજાર આપીને પરત ભાવનગર આવવાની વ્યવસ્થા ગોઠવી હતી.

તેમણે સને -૧૯૪૨ માં ભાવનગરના ખારગેટમાં સરદાર પટેલ પર લાઠીચાર્જ થયો હતો. મહિલાઓ પર પણ લાઠીચાર્જ થયો હતો અને સરદાર પટેલને બચાવવાં જતાં મહાદેવભાઇ શહીદ થયાં હતાં.

આલ્ફ્રેડ હાઇસ્કૂલના વિદ્યાર્થી એવાં ડો. અજીતરાયે હાઇકોર્ટ રોડ પર આવેલ પોસ્ટ ઓફિસ પાસે બોંબ ફોડ્યો હતો. ગાંધી ચોકમાં પણ ખૂબ આંદોલનો થયાં હતાં તેમ જણાવી ઉપસ્થિત પત્રકારોમાં પણ સ્વાતંત્રતાનો જુસ્સો લાવી આંદોલીત કરી દીધાં હતાં.

નાયબ માહિતી નિયામકશ્રી જે.ડી. વસૈયાએ સ્વાગત પ્રવચન કર્યું હતું. સત્યપૂંજ સમાચારના પત્રકારશ્રી મુકેશ પંડિતે કાર્યક્રમનું સંચાલન કર્યું હતું. આભારવિધિ સિનિયર સબ એડિટરશ્રી સુનિલ પટેલે કરી હતી.       આ પરિસંવાદમાં માહિતી ખાતાના કર્મચારીઓ, પ્રિન્ટ-ઈલેક્ટ્રોનિક માધ્યમોના પત્રકારશ્રીઓ, પ્રબુધ્ધ નાગરિકો અને પત્રકારત્વ ક્ષેત્રના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યાં હતાં

Follow Me:

Related Posts