અમરેલી

જિલ્લા વહીવટીતંત્રના આગોતરા આયોજનથી જાનમાલની નુકશાની ટળી

રાજ્યમાં બિપરજોય વાવાઝોડાના સંભવિત જોખમો સામે આગોતરી તૈયારીના ભાગરુપે રાજ્ય સરકાર અને અમરેલી જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આગોતરુ આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા વહીવટી તંત્રના આયોજન અને અસરકારક કામગીરીથી અમરેલી જિલ્લામાં જાનમાલની નુકશાની ટળી શકી તેવી સફળતા પ્રાપ્ત થઈ  છે. જિલ્લાની સ્થિતિ વિશે જિલ્લા કલેક્ટરશ્રી અજય દહિયાએ ખાસ સંદેશો આપી ચિત્તાર રજૂ કર્યો છે. મહત્વનું છે કે, હાલમાં અમરેલી જિલ્લામાં  સ્થિતિ સામાન્ય છે.

      જિલ્લા કલેક્ટરશ્રીએ જણાવ્યુ કે,  અમરેલી જિલ્લામાં હાલ પરિસ્થિતિ સામાન્ય છે. કોઈ પણ તાલુકામાંથી જાનમાલની નુકશાનીના અહેવાલ નથી. ગઈ કાલથી આજસુધી વૃક્ષો ધરાશાયી થવાને લીધે રસ્તાઓ બંધ હતા તે પૂર્વરત કરી દેવામાં આવ્યા છે. જિલ્લામાં વરસાદ સામાન્ય છે અને પવનની ગતિ પણ સામાન્ય છે. સલામતી અને સાવચેતી માટે આગોતરી તૈયારીના ભાગરુપે જિલ્લાના નાગરિકોને આશ્રય સ્થાનો પર લઈ જવામાં આવ્યા હતા. આ આશ્રિતોને પરત તેમના ઘરે જવા માટેની વ્યવસ્થા કરવામાં આવી રહી છે તેમને તેમના ઘરે પરત મોકલવાનો નિર્ણય ટૂંક સયમાં કરવામાં આવશે. હાલમાં જિલ્લામાં સર્વગ્રાહી સ્થિતિ સામાન્ય છે. ઉલ્લેખનીય છે કે, અમરેલી જિલ્લાના કાંઠા વિસ્તારમાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવેલા ખાસ આયોજન થકી છેવાડાના માનવીને પણ સુરક્ષિત અને સલામત રીતે આશ્રય સ્થાનો પર લઈ જવામાં આવ્યા હતા.

Related Posts