અમરેલી

જિલ્લા વિકાસ અધિકારીના અધ્યક્ષ સ્થાને અમરેલી સ્થિત સંકુલ ખાતે મતદાન જાગૃત્તિ કાર્યક્રમ યોજાયો

સિસ્ટેમેટીક વોટર્સ એજ્યુકેશન એન્ડ ઈલેક્ટોરલ પાર્ટીસિપેશન (SVEEP) અને ટર્ન આઉટ ઈમ્પલિમેન્ટેશન પ્લાન (TIP) અંતર્ગત અમરેલી શહેરમાં મતદાન અંગેની જાગૃત્તિ પ્રસરાવવાના હેતુથી અમરેલી જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા પટેલ  સંકુલ ખાતે વોટર ફેસ્ટિવલ યોજાયો હતો. TIP નોડલ અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી પરિમલ પંડ્યાની પ્રેરક ઉપસ્થિતિમાં ‘મતદાન જાગૃત્તિ’ કાર્યક્રમ યોજાયો હતો.

          અમરેલી જિલ્લામાં મતદાનની ટકાવારી વધે અને મતદારો ઉત્સાહપૂર્વક મતદાન પ્રક્રિયામાં જોડાય તે માટે યોજાયેલા આ જાગૃત્તિ કાર્યક્રમમાં ખર્ચ નોડલ અને અમરેલી જિલ્લા વિકાસ અધિકારીશ્રી પરિમલ પંડ્યાએ જણાવ્યુ કે, લોકસભાની ચૂંટણીમાં અમરેલી જિલ્લામાં કેટલાક બુથ પર મહિલા મતદારોનું મતદાન ઓછું હતું. ઓછું મતદાન હોય તેવા મતદાન મથકો પર મહિલા અને પુરુષ મતદારો દ્વારા સમાન ટકાવારીમાં મતદાન થાય અને તમામ બુથ પર વધુમાં વધુ વધુ મતદાન થાય તે માટે ચૂંટણી પંચના નિર્દેશ મુજબ ટર્ન આઉટ ઈમ્પલિમેન્ટેશન પ્લાન (TIP) અંતર્ગત આ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે.

    તેમણે જણાવ્યુ કે, વિદ્યાર્થીઓ, મતદાર જાગૃત્તિ કાર્યક્રમના એમ્બેસેડર બની સો ટકા મતદાન થાય તે માટે જાગૃત્તિ પ્રસરાવે. પોતાના પરિવાર ખાસ કરીને પરિવારના મહિલાઓ પણ અવશ્ય મતદાન કરે તે વિદ્યાર્થીઓ સુનિશ્ચિત કરે. જે વિદ્યાર્થી અને વિદ્યાર્થિનીઓના ૧૮ વર્ષ પૂર્ણ થયા છે પરંતુ મતદાર તરીકે નોંધણી કરાવી નથી તે ફોર્મ નં. ૦૬ ભરીને મતદાર તરીકે પોતાની નોંધણી કરાવી શકે છે.

આ તકે તેમણે સંકુલમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનિઓને તાત્કાલિક મતદાર તરીકેની નોંઘણી કરાવવાની વ્યવસ્થા પણ સુનિશ્ચિત કરવા માટે અમરેલી, વડીયા અને કુંકાવાવ પ્રાંત અધિકારીશ્રીને સૂચન કર્યુ હતુ.

   તેમણે કહ્યુ કે, મતદાન મથકો પર મતદાન પ્રક્રિયા સરળતાથી થઈ શકે તે માટે પાણી, ઓ.આર.એસ.નો જથ્થો તેમજ દિવ્યાંગો માટે વ્હીલચેર સહિતની પ્રાથમિક સુવિધાઓ માટે વ્યવસ્થા ચૂંટણી તંત્ર દ્વારા કરવામાં આવશે. જે વરિષ્ઠ મતદારોની ઉંમર ૮૫ વર્ષથી વધુ છે તેમના માટે ઘરેથી પોસ્ટલ બેલેટ દ્વારા પણ મતદાન થઈ શકે તે માટે પ્રક્રિયાઓ પણ ચૂંટણી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી છે.

     મતદાન જાગૃત્તિ અંગે ચૂંટણી પંચ દ્વારા તૈયાર કરવામાં આવેલી ફિલ્મનું નિદર્શન પણ આ કાર્યક્રમમાં  કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવો અને યુવા મતદારોએ મતદાન માટેના શપથ લીધા હત. આ તકે મતદાન જાગૃત્તિ સિગ્નેચર કેમ્પેઈન પણ યોજાયું હતું.

    કાર્યક્રમમાં નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી કોટક અમરેલી, વડીયા અને કુંકાવાવ પ્રાંત અધિકારીશ્રી નાકીયા, અને જિલ્લા શિક્ષણાધિકારીશ્રી ગોહિલે મતદાન જાગૃતિ અંગે માહિતી આપી વિદ્યાર્થિનિઓને ચૂંટણીલક્ષી બાબતોનું માર્ગદર્શન અને મતદાન માટે પ્રોત્સાહન પુરુ પાડ્યું હતું. કાર્યક્રમમાં સંસ્થાના નિયામકશ્રી, આચાર્યશ્રીઓ, શિક્ષકો અને વિદ્યાર્થિનિઓ સહિતના ઉપસ્થિત રહ્યા હતા.

Follow Me:

Related Posts