સૌરાષ્ટ - કચ્છ

જીએસટી વિભાગ દ્વારા દ્વારકાની હોટલની તપાસ કરતા કરચોરી કર્યાનું સામે આવ્યું

સુપ્રસિધ્ધ યાત્રાધામ દ્વારકાની ૮ માંથી ૬ હોટલમાં રૂ.૨૬ લાખની જીએસટી ચોરી ખૂલતા ભારે ચકચાર જાગી છે. સતત ત્રીજા દિવસે બે હોટલમાં તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે. જે હોટલમાંથી કરચોરી ખુલી તેમાં વેરામુકત વેંચાણ દર્શાવી કરચોરી કરતા હોવાનું ખૂલ્યું છે. દેવભૂમિ દ્વારકામાં આવેલી હોટલના સંચાલકો ભરવાપાત્ર જીએસટી યોગ્ય રીતે ભરપાઇ ન કરવાની બાતમીના આધારે સ્ટેટ જીએસટીની ૯ ટુકડી દ્વારા દ્વારકાની ૮ હોટલમાં બે દિવસ પહેલા દ્વારકા લાઇફ સ્ટાઇલ રીસોર્ટસ, બાપુ રીસોર્ટસ, વીઆઇટીએસ, મીરા, ઉતમ, રાજપેલેસ, દેવકીનંદન અને દ્વારીકા ઇન હોટલમાં દરોડા પાડવામાં આવ્યા હતાં.

સતત બે દિવસની તપાસના અંતે ઇમુવેબલ પ્રોપર્ટીના કન્સ્ટ્રકશનની વેરા શાખની કલેઇમ, વેરાશાખનો ૯૦ ટકા ઉપયોગ કરીને રોકડેથી વેરો ઓછો ભરવો, નોંધણી નંબર રદ થયા હોવા છતાં ધંધો ચાલુ રાખવો, રૂ.૧૦૦૦થી ઓછી રકમની રૂમ સર્વિસના વ્યવહારો દર્શાવી તેને વેરામુકત વેચાણો દર્શાવી વેરાની ચોરી કરતા હોવાનું ખૂલ્યું હતું. આથી ૮ માંથી ૬ હોટલમાંથી રૂ.૨૬ લાખના વેરાની વ્યાજ સહીત વસૂલાત કરવામાં આવી છે. જયારે વીઆઇટીએસ અને દ્વારકા લાઇફ રીસોર્ટ કેસમાં હજુ તપાસ ચાલી રહી હોય વધુ વેરાચોરી ખુલાવાની શકયતા જીએસટીના અધિકારીઓએ વ્યકત કરી છે.

Related Posts