જીપીએસસીની પરીક્ષામાં બે જવાબ મૂકવાથી ઉમેદવાર મુંઝાઈ છે : હાઈકોર્ટ
જીપીએસસીની ક્લાસ-૧, ૨ની શરૂ થનારી પરીક્ષામાં બેસવા દેવા હાઈ કોર્ટે ઉમેદવારને છેલ્લી ઘડીએ મંજૂરી આપી છે. આ સાથે કોર્ટે સરકારને ટકોર કરી છે કે, સરકારી અધિકારી વર્ગ-૧ માટે પરીક્ષા આપનારા ઉમેદવારોને ગરબા અને ઘુમ્મરના સવાલો પૂછવાનો કોઈ અર્થ નથી. પરીક્ષામાં પુછાતા પ્રશ્નોના વૈકલ્પિક જવાબોમાં એક જ જવાબ સાચો હોવો જાેઈએ. બે જવાબ મૂકવાથી ઉમેદવાર મુંઝાઈ જાય છે. પેપર તૈયાર કરનારી વ્યક્તિએ ઉમેદવારની જગ્યાએ પોતાને મૂકી પેપર તૈયાર કરવા જાેઈએ. ક્લાસ-૧ અને ૨ની પરીક્ષામાં નહિ બેસવા દેવાતા ઉમેદવારે હાઈ કોર્ટમાં અરજી કરી હતી.
ખંડપીઠે કેસની આખરી સુનાવણી નવેમ્બર મહિનામાં મુકરર કરી છે. જીપીએસસીની ૨૭ ઓગસ્ટથી શરૂ થનારી વર્ગ-૧, ૨ની પરીક્ષામાં એક ઉમેદવારને બેસવા દેવા જીપીએસસીએ મનાઈ ફરમાવી હતી. ઉમેદવારે જીપીએસસી સામે હાઈ કોર્ટમાં અરજી કરી હતી. તેમાં એવા મુદ્દા ઉપસ્થિત કરાયા હતા કે, સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં એક પ્રશ્ન ઉકેલવા માટે ૪૫ સેકન્ડનો સમય અપાય છે. જીપીએસસી દ્વારા તેના વૈકલ્પિક જવાબો પૈકી એક કરતાં વધુ સાચા ઉત્તરો મુકાતા હોય છે, જેના કારણે ઉમેદવારનો સમય બગડે છે. પરીક્ષામાં ગરબા અને ઘુમ્મર પૈકી કયો ફોક ડાન્સ મહિલાઓ માટે પરંપરાગત છે? તેવું પૂછવામાં આવ્યું હતું. ખંડપીઠે ટકોર કરી હતી કે, વર્ગ-૧ની પરીક્ષામાં આવા સવાલો ન કરવા જાેઈએ. તેમને આવા પ્રશ્નો ભવિષ્યમાં કોઈ કામમાં આવવાના નથી.
પેપર કાઢનાર વ્યક્તિને કોર્ટમાં હાજર રાખીશું ત્યારે કેટલાક સવાલો કરાશે, જે કામના નથી તેવા સવાલો પરીક્ષામાં પૂછીને ઉમેદવારોનો સમય બગાડવાનો કોઈ મતલબ નથી. પ્રીલિમનરી પરીક્ષામાં ગરબા અને ઘુમ્મર અંગે પુછાયેલો સવાલ સ્પષ્ટ ન હતો. તેમાં બંને વચ્ચે શો ફરક છે તેવું સ્પષ્ટ પૂછવાને બદલે તેને અલગ રીતે પૂછવામાં આવ્યો હોવાથી અરજદારને ૧ માર્ક ગુમાવવો પડ્યો હતો. આથી અરજદારને મેઇન પરીક્ષામાં બેસવા દેવા જીપીએસસીએ ઇનકાર કર્યો હતો. આથી અરજદારે હાઈ કોર્ટમાં અરજી કરી હતી.
Recent Comments