અમરેલી

જીરા પ્રાથમિક શાળાના સાર્ધ શતાપ્દી મહોત્સવમાં શિક્ષણમંત્રી જીતુભાઈ વાઘાણી, ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીની ગરિમામય ઉપસ્થિતિ

જીરાશાળાના સાર્ધ શતાપ્દી મહોત્સવ નિમિત્તે નવસારીના સાંસદશ્રી સી.આર.પાટીલ, અમરેલીના સાંસદશ્રી નારણભાઈ કાછડિયા, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી રેખાબેન મોવલીયા સહિતના પદાધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા

અમરેલી, તા.૧૦ જુલાઈ (રવિવાર) રાજ્યના શિક્ષણંત્રીશ્રી જીતુભાઈ વાઘાણી અને ગૃહ રાજ્યમંત્રીશ્રી હર્ષભાઈ સંઘવીની પ્રેરક ઉપસ્થિતિમાં અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના જીરા ગામની શાળાનો ‘સાર્ધ શતાપ્દી મહોત્સવ’ ઉજવાયો હતો. આ કાર્યક્રમમાં શિક્ષણમંત્રીશ્રી જીતુભાઈ વાઘાણીના હસ્તે નવનિર્મિત શાળાનો લોકાર્પણ પ્રસંગ યોજાયો હતો. કાર્યક્રમમાં જીરા ગામના પ્રબુદ્ધ નાગરિકો જેમણે દેશમાં ખ્યાતિ મેળવી છે તેમને ‘ગૌરવ પુરસ્કાર’ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ સાથે ગામનાં રહેવાસીઓના સહયોગથી વિકાસકાર્યોનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું હતું


આ કાર્યક્રમને સંબોધન કરતા શિક્ષણમંત્રીશ્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે, દેશના વિકાસમાં નાગરિકોનો ફાળો કેવો હોવો જોઈએ તેનું ઉદાહરણ આજે જીરા ગામના રહેવાસીઓએ આપ્યું છે. શિક્ષણમંત્રીશ્રીએ આ તકે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રીશ્રી અમિતભાઈ શાહના નેતૃત્વમાં થઈ રહેલા દેશા વિકાસ અને નેતૃત્વના ગુણોના ઉદાહરણ આપ્યા હતા. આ પ્રસંગે શાળા પ્રવેશોત્સવને ટાંકતા જીતુભાઈ વાઘાણીએ જણાવ્યુ કે, રાજ્યમાં અનેકગામ એવાં છે જ્યાં જાગૃત્ત સમાજના કારણે ગામે એકઠા થઈને શાળા માટે ખૂબ મદદ કરી છે. હું આવાં ગામોને અને શાળાને પણ અભિનંદન આપું છું. આ તકે શિક્ષણમંત્રીશ્રી જીતુભાઈ વાઘાણીએ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શિક્ષણ ક્ષેત્રે થયેલા કાર્યોને યાદ કર્યા હતા.


કાર્યક્રમનને સંબોધતા નવસારીના સાંસદશ્રી સી.આર.પાટીલે જણાવ્યુ હતુ કે, શિક્ષણનું કાર્ય હોય અને આટલી મોટી સંખ્યામાં લોકો એકઠા થતા હોય ત્યારે શિક્ષણ માટે લોકોમાં જાગૃત્તિ આવી છે એ સ્પષ્ટ છે. કાર્યક્રમમાં સાંસદશ્રી સી.આર.પાટીલે, જીરાના વિકાસ માટે દાન આપનારા દાતાશ્રીઓને તેમના શિક્ષણ માટેના ઉમદા કાર્યને બિરદાવ્યા હતા. આ સાથે જ તેમણે સુકન્યા સમૃદ્ધિ યોજના, બેટી બચાવો બેટી પઢાવો, કન્યા કેળવણી સહિતના મુદ્દાઓ પર રાજ્ય અને કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓ વિશે વિગતે વાત કરી તે યોજનાનો વધુમાં વધુ નાગરિકોને લાભ લેવા અપીલ કરી હતી.


આ કાર્યક્રમમાં અમરેલીના સાંસદશ્રી નારણભાઈ કાછડીયા, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી રેખાબેન મોવલીયા, જિલ્લા ભાજપ પ્રમુખશ્રી કૌશિકભાઈ વેકરીયા, શ્રી કાળુભાઈ વિરાણી, ગામના આગેવાનો, આયોજકો, શાળા પરિવાર સહિતના ઉપસ્થિત રહ્યા હતા.

Related Posts