માણાવદર તાલુકા પંચાયતના ૧૪માં નાણાપંચમાં થયેલા ભ્રષ્ટાચાર બાબતે ઉચ્ચ કક્ષાસુધી રજૂઆત કરવા છતાં પણ કોઈપણ પ્રશ્નનો નિરાકરણ ન આવતા આર.ટી.આઈ એક્ટિવિસ્ટે છેલ્લા ત્રણ દિવસથી કાઢવા ચોક ખાતે ધરણા યોજ્યાં છે તેમજ પ્રશ્નના નિરાકરણ બાબતે માંગ કરવામાં આવી હતી. આર.ટી.આઈ એક્ટિવિસ્ટ અને ભીમ આર્મી સેનાના માણાવદર તાલુકા પ્રમુખ ગુણવંત મિયાત્રાએ જણાવ્યું હતું કે, તમામ આધાર પુરાવા સાથે ૧૪ માં નાણાપંચમાં થયેલા ભ્રષ્ટાચારમાં કર્મચારીઓ વિરુદ્ધ બધું સાબિત થઈ ગયું હોવા છતાં પણ જૂનાગઢ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી જેને લઇ કાળવા ચોક ખાતે છેલ્લા ત્રણ દિવસથી ધરણા પ્રદર્શન ચાલી રહ્યું છે.
જાેકે, આ ત્રણ દિવસમાં પણ પ્રશાસન દ્વારા કોઈ પ્રતિસાદ ન મળતા દલિત સમાજના યુવાનો વહીવટીતંત્રના વિરોધમાં આત્મવિલોપન કરશે તેવી ચીમકી ઉચ્ચારી હતી. માણાવદરના ૧૪ માં નાણાપંચમાં સરકારી કામના વર્ક ઓર્ડરની શરત નંબર ૪ નો ભંગ કરી સી. સી ( કમ્પ્લીસન સર્ટિફિકેટ) આપ્યા વગર નાણા ઉચાપત કરવામાં આવી હોવાના આક્ષેપ થયા છે. અગાઉ જૂનાગઢ જિલ્લાના માખીયાળા અને કુકાવાડા ગામે સીસી આપ્યા વગર પૈસા ઉપાડ્યા બાબતે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. ત્યારે માણાવદર તાલુકામાં અત્યાર સુધી કોઈપણ પ્રકારનો ગુનો દાખલ કરવામાં આવ્યો નથી તેવું ગુણવંત મીયાત્રાએ જણાવ્યું હતું.
આ બાબતે જૂનાગઢ જિલ્લા વિકાસ અધિકારી મિરાંત પરીખે જણાવ્યું હતું કે, માણાવદરમાં ૧૪ માં નાણાપંચની રજૂઆતને ધ્યાને લઈ તાલુકામાં જે ૬ ગામોમાં ફરિયાદ કરવામાં આવી હતી તે બાબતે જિલ્લા પંચાયત કક્ષાએથી તપાસ ટીમની રચના કરવામાં આવી હતી અને તે તપાસ સમિતિના રિપોર્ટમાં તપાસના ત્રણ ગામોમાં પ્રાથમિક ધોરણે વિસંગતતા જણાઈ આવી હતી
તેને લઈ જિલ્લા કક્ષાએથી તાલુકા વિકાસ અધિકારીને તે વખતના જે કોઈ જવાબદાર કર્મચારીઓ હતા તેમના નામ અને હોદા માટે જાણ કરવામાં આવી છે અને તે રિપોર્ટના આધારે આગામી બે ત્રણ દિવસમાં તે કર્મચારીઓ વિરુદ્ધ સખતમાં સખત કાયદાકીય રીતે કાર્યવાહી હાથ ધરવામાં આવશે. હાલ તો કાળવા ચોકમાં જુનાગઢ પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો છે તો બીજી તરફ આત્મવિલોપનની ચીમકીને લઈ પોલીસ તંત્ર અને વહીવટી તંત્ર પણ હરકતમાં આવ્યું છે.
Recent Comments