fbpx
સૌરાષ્ટ - કચ્છ

જુનાગઢની એસઆરએલ લેબમાં આગ લાગી

જૂનાગઢમાં સરદારબાગ પાસે બસ સ્ટેશન નજીક દ્વારકાધીશ માર્કેટમાં પ્રથમ માળ પર આવેલી એસ.આર.એલ.નામની ખાનગી લેબોરેટરીમાં અચાનક જ આગ લાગી હતી અને આગે ધીમે ધીમે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા લેબોરેટરીની નજીકમાં જ આવેલી ખાનગી કનેરીયા હોસ્પિટલમાં આગના ઘૂમાડા પ્રસરી ગયા હતા. જેથી ત્યાં દાખલ દર્દીઓને ભારે ગૂંગળામણ થવા લાગી હતી. હોસ્પિટલમાં ૧૦ જેટલા દર્દીઓ સારવારમાં દાખલ હોવાથી તમામને અલગ અલગ જગ્યાએથી રેસ્ક્યુ કરી બહાર કાઢવાની કામગીરી લોકો અને ફાયરના સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી.

આગ અંગે જાણ થતાં સ્થળ પર પાણીના બંબા સાથે દોડી આવેલા ફાયરબ્રિગેડની ટીમે એકાદ કલાક સુધી પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. આ સમયે સ્થળ પર હાજર દર્દીઓના પરીવારજનોએ આક્ષેપ કરતા જણાવ્યું કે, સ્થળ પર ફાયરના સાધનો સમયસર કામ કરી રહ્યા ન હતા અને એક બંબામાંથી પાણીનો ધોધ થતો ન હતો જ્યારે ફાયરના એક વાહનમાંથી સીડી પણ ખુલતી ન હતી. જે અંગે મનપાના ફાયરમેન કમલેશ પંડયાએ દર્દીઓના પરીવારજનોના આક્ષેપો ફગાવતા કહ્યુ કે, એવું કંઈ નથી બંબામાંથી પાણીનો મારો કરી અડધી કલાકમાં જ આગ પર કાબૂ મેળવી લીધો હતો અને બીજાે બંબો સપોર્ટમાં હોવાથી જરૂર પડે તો જ તેનો ઉપયોગ કરવાનો હોય છે.

જેની જરૂર પડી ન હતી. લેબોરેટરીમાં આગ લાગવાના કારણે નજીકની કનેરીયા હોસ્પિટલમાં સારવારમાં રહેલા દર્દીઓને બહાર નીકળવામાં ખૂબ જ મુશ્કેલી પડી હોવાનું નજરે જાેનારા પ્રત્યેક લોકો જણાવી રહ્યા હતા. હોસ્પિટલમાં કમ્પાઉન્ડર મુખ્ય દરવાજે તાળું મારી બહાર નીકળી ગયા હોય જેથી ફાયર બ્રિગેડે હોસ્પિટલમાં તાળા તોડી દર્દીઓના બહાર કાઢવા પડ્યા હોવાની પ્રત્યક્ષદર્શીઓમાં ચર્ચા થઈ રહી હતી. જ્યારે હોસ્પિટલના સંચાલક ડો.મૌલીક કનેરીયાના જણાવ્યા મુજબ હોસ્પિટલમાં આગની કોઈ ઘટના બની નથી પરંતુ નજીકમાં આવેલી લેબોરેટરીમાં લાગેલી આગના ધુમાડાથી સફોકેશનના લીધે દર્દીઓને મુશ્કેલી પડી હતી.

તમામ દર્દીઓને હોસ્પીટલના ઇમરજન્સી એકઝીટ ગેટમાંથી સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. આગની ઘટનામાં દર્દીઓના સ્થળાંતર માટે પોલીસ, ૧૦૮, ફાયર વિભાગના સ્ટાફએ મહા મહેનતે દર્દીઓને બચાવવાની કામગીરી કરી હતી. આગની ઘટના અંગે તબીબ અને લેબોરેટરી સંચાલક ફાયર એનઓસી હોવાનો દાવો કરી રહ્યા છે. આગની ઘટનાથી મનપાની કામગીરી પર અનેક સવાલો ઉઠયા છે. હોસ્પિટલ સત્તાધીશો પાસે ફાયર એનઓસી છે કે કેમ તે પણ તપાસનો વિષય બન્યો છે પરંતુ હાલ દર્દીઓને બચાવવાનો પ્રયાસ થયો છે ત્યારે જૂનાગઢમાં ફરી આવી ઘટના ન બને તે માટે તંત્ર શું કરે છે તે જાેવું રહેશે.

Follow Me:

Related Posts