જુનિયર ક્લાર્ક સ્પર્ધાત્મક પરીક્ષાના પેપર લીક થવાના સમાચારે અનેક આશાસ્પદ વિદ્યાર્થીઓના સપના રોળાઈ ગયા હોય તેવો માહોલ આ પરીક્ષા આપવા આવેલ વિદ્યાર્થીઓમાં જોવા મળી રહ્યો હતો. એક તો દૂર દૂરથી પરીક્ષા આપવાની પૂર્ણ તૈયારી કરી વિદ્યાર્થીઓ પોતાના કારકિર્દીના ઉજળા સપના લઈને આવ્યા હતા. એવી પરિસ્થિતિમાં બહારથી આવેલા વિદ્યાર્થીઓને આશ્રયસ્થાન મેળવવામાં પણ ઘણી મુશ્કેલીઓ પડતી જોવા મળે એ પણ સ્વાભાવિક છે એવી પરિસ્થિતિમાં પણ ગમેતેમ થાય પરંતુ આપણે આ પરીક્ષામાં વધુમાં વધુ ગુણ મેળવીને પોતાનું ભવિષ્ય બનાવવા માટે આવેલ હોય અણધાર્યા સમાચાર મળે કે પેપર લીક થતાં પરીક્ષા રદ..! જાણે હ્રદયરોગનો હુમલો આવ્યો હોય તેવા સમાચાર સાંભળીને અનેક આશાસ્પદ પરીક્ષાર્થીઓના હ્રદય પર વજ્રઘાત થયો હોય તેવું વાતાવરણ જોવા મળ્યું હતું.
અનેક આશાસ્પદ પરીક્ષાર્થીઓના આંખમાં આંસુ હતાં.. અને સરકારની આવી અણઘડ પરીક્ષા વ્યવસ્થા પ્રત્યે રોષ અને આક્રોશ પણ જોવા મળેલ. પરંતુ આ તો બિચારા બાપડાં પરીક્ષાર્થીઓ વિશેષ શું કરી શકે? અફસોસ સિવાય..! હા, આ સંદર્ભે સોશ્યલ મિડિયા દ્વારા અનેક આ ખામીભરેલી પરીક્ષા વ્યવસ્થા અંગે કોમેન્ટ થતી જોવા મળી હતી. ઘણાં એ પરીક્ષા પેપર લીક મામલે એક શખ્સની ઘરપકડને શ્ર્લેષ અલંકારમાં વ્યકત કરી હતી. તો વળી કોઈકે એવું પણ કહ્યું હતું કે યુપીએસસી કે જીપીએસસીની ક્લાસ વન ટુ લેવલની પરીક્ષાના પેપર તો લીક નથી થતાં..!! પરંતુ જુનિયર ક્લાર્ક જેવી પરીક્ષાના પેપર લીક કેમ થાય છે? તો કોઈકે ખોબલે ખોબલે મત આપી આ સરકારને ચૂંટવાની વાત કંઈક અલગ અંદાજમાં વ્યંગોકિત દ્વારા વ્યથાના સ્વરૂપે પ્રગટ કરી.!!
શું આપણી પાસે એવી કોઈ ફુલપ્રુફ વ્યવસ્થા નથી? અને આ તો પ્રગતિશીલ અને વાયબ્રન્ટ ગુજરાત છે..? શું આને પણ ઝેડ પ્લસ જેવી સુરક્ષાઓ આપવી પડશે..? વગેરે વગેરે અનેક વ્યંગોકિત દ્વારા પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો. આપણે ઇચ્છીએ કે આ પેપર લીક મામલાનો માસ્ટર માઇન્ડ વહેલી તકે કાયદાની પકડમાં આવે અને આની તલસ્પર્શી તપાસ થાય.. અને આ પરીક્ષાના પેપર લીક મામલામાં કોઈપણ ચમરબંધીને છોડવામાં ન આવે અને અંત તક તેનાં ઊંડા મૂળ ક્યાં છે તે પણ લોકોને જાણ થાય તેવી પારદર્શક તપાસ થાય અને ગુનેગારોને કડકમાં કડક સજા થાય જેથી ફરી આવી ગોઝારી ઘટના આકાર ન લે..
Recent Comments