fbpx
સૌરાષ્ટ - કચ્છ

જૂનાગઢના પ્રભાતપુરના ખેડૂતોએ યોગ્ય વળતર આપવાંની માગ સાથે કલેક્ટરને આવેદન પાઠવ્યું

આ વર્ષે જૂનાગઢ પંથકમાં ભારે વરસાદ પડવાના કારણે ખેડૂતોના પાકને નુકસાન થયું છે. ત્યારે જૂનાગઢ તાલુકાના પ્રભાતપુર ગામના ખેડૂતો દ્વારા કલેક્ટરને યોગ્ય વળતર આપવા બાબતે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું અને વિવિધ માગણીઓ કરવામાં આવી હતી. ખેડૂતોએ જણાવ્યું હતું કે, વધુ વરસાદના કારણે કપાસમાં ફાલ બધો ખરી પડયો છે અને રાતડ જેવો રોગ આવતા કપાસનો પાક સંપૂર્ણ પણે નુકસાન પામ્યો છે. અતિરેક વરસાદ પડવાથી સોયાબીનમાં ફાલ–ફુલ લાગવાની અવસ્થા એજ પાક સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ રહેવાથી બગડી ગયો છે. તો મગફળીમાં પણ અતિરેક વરસાદ પડવાથી સુયા બેસવાની અવસ્થાએ મગફળીમાં મુંડો આવી ગયો અને કોઈને સારી મગફળી રહી તો તેમને સુકારો આવી ગયો.

ખેડૂતોનો પાક સંપૂર્ણપણે બરબાદ થયેલો છે. જે કારણે ખેડૂતોને પારાવાર નુકસાની ભોગવવાનો વારો આવ્યો છે. વધુમાં ખેડૂત અગ્રણીએ જણાવ્યું કે, પ્રભાતપુર ગામ આસપાસના ૨૦૦થી વધારે બહોળી સંખ્યામાં ખેડૂતો કલેક્ટર ઓફિસે આવી આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી. જેમાં ગામ તેમજ આસપાસના વિસ્તારમાં પાક નુકસાનીનું વળતર હજુ સુધી ચૂકવવામાં ન આવ્યું, શા માટે ગામમાં સર્વે કરવામાં નથી આવ્યો, શા માટે ગામને બાકાત રાખવામાં આવ્યું છે.? આ બાબતે વારંવાર ધારાસભ્યને પણ રજૂઆત કરવામાં આવી છે. તેમ છતાં ધારાસભ્ય પણ ખેડૂતોના પ્રશ્ને કોઈપણ બાબતનું ધ્યાન આપતા નથી. તો બીજી તરફ ખેડૂતોએ એવી પણ માગણી કરી હતી કે, પૂરેપૂરું વળતર ન મળે પરંતુ ખાતર બિયારણનો જે ખર્ચો થયો છે, તે વળતર સરકારે ચૂકવવું જાેઈએ. તેવી ખેડૂતો દ્વારા માંગ ઉઠી હતી અને જાે વહેલી તકે ખેડૂતોના પ્રશ્નને કોઈપણ યોગ્ય નિરાકરણ નહીં કરવામાં આવે તો આગામી વિધાનસભાની ચૂંટણીનો મતદાન બહિષ્કાર કરવાની ચીમકી પણ ખેડૂતો દ્વારા ઉચ્ચારવામાં આવી હતી.

Follow Me:

Related Posts