જૂનાગઢ તાલુકાના ગોલાધરમાં રહેતો યુવાન પત્ની સાથે બાઇક પર જતો હતો ત્યારે પત્નીના પૂર્વ પતિ અને તેના બે ભાઈઓએ હુમલો કર્યો હતો, જેમાં યુવાનને ગંભીર ઇજા થઇ હતી. ગઈકાલે આ યુવાનને જૂનાગઢથી વધુ સારવાર માટે અમદાવાદ લઈ જવામાં આવતો હતો ત્યારે તેનું રસ્તામાં જ મોત થયું હતું. આ મામલે પોલીસે ત્રણેય આરોપી સામે હત્યાની કલમનો ઉમેરો કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. આ અંગેની વધુ વિગત મુજબ જૂનાગઢ તાલુકાના ગોલાધરમાં રહેતી મિતલબેન ઓધવજીભાઈએ અજય પ્રવિણ મકવાણા સાથે પ્રેમલગ્ન કર્યા હતા.
મિતલબેનના પિતાને એ પસંદ પડયું ન હતું. આ બાબતે ત્યારે અજય પ્રવિણ મકવાણા અને તેના પરિવારજનોએ હુમલો કરતા મિતલબેનના પિતા ઓધવજીભાઈનું મોત થયું હતું. આ મામલે અજય સહિતનાઓ સામે હત્યાનો ગુનો દાખલ થયો હતો, જેમાં તે જેલમાં જતો રહેતા મિતલબેને છૂટાછેડા લઈ લીધા હતા. થોડા દિવસ પહેલા મિતલબેને ગામના જય ગોપાલભાઈ કાલરીયા સાથે પ્રેમલગ્ન કર્યા હતા. એવામાં, અજય અને તેના ભાઈઓ જેલમાંથી છૂટી આવ્યા હતા. ગત તા. ૧૦ના મિતલબેન અને તેના પતિ જય કાલરીયા બાઇક પર જૂનાગઢ તરફ જતા હતા ત્યારે અજય પ્રવિણ મકવાણા, વિજય પ્રવિણ મકવાણા અને મિલન પ્રવિણ મકવાણાએ બાઇકને રોકી મિતલબેનને ‘અમે તારા બાપને મારી નાખ્યો અને છૂટી પણ ગયા,તમે શું કરી લીધું,હવે તમને બંનેને મારી નાખવા છે’ એમ કહી મિતલબેન અને તેના પતિ જય કાલરીયા પર પાઇપ વડે હુમલો કર્યો હતો.
જય કાલરીયાને માથામાં ગંભીર ઇજા થઇ હતી. તે વખતે તાલુકા પોલીસે ત્રણેય ભાઈની ધરપકડ કરી હતી. દરમિયાન, જય કાલરીયાની તબિયત વધુ ખરાબ થતા ગઈકાલે તેને જૂનાગઢથી અમદાવાદ લઈ જવામાં આવી રહ્યો હતો ત્યારે રસ્તામાં તેનું મોત થયું હતું. આ અંગે ડીવાયએસપી હિતેશ ધાંધલ્યાએ જણાવ્યું હતું કે જય કાલરીયા સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ હતો.આંતરિક ઇજાના કારણે ગઇકાલે તેની તબિયત લથડતા રાત્રીના અમદાવાદ રિફર કરાયો હતો ત્યારે રસ્તામાં જ તેનું મોત થયું હતું.જે તે વખતે ત્રણેય ભાઈની ધરપકડ કરવામાં આવી હતી.અને હાલ ત્રણેય જ્યુડિશીયલ કસ્ટડીમાં છે. યુવાનનું મોત થતા હત્યાની કલમનો ઉમેરો કરી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. મિતલબેને ૨૦૨૦માં પહેલા પ્રેમલગ્ન કર્યા ત્યારે પતિ અજય અને તેના પરિવારજનોએ કરેલા હુમલામાં પિતાની હત્યા થઈ હતી. પતિ અજય જેલમાં જતો રહેતા છૂટાછેડા લઈ લીધા હતા. થોડા સમય પૂર્વે ગામના યુવક સાથે બીજા પ્રેમલગ્ન કર્યા તો પૂર્વ પતિ સહિતનાઓએ વર્તમાન પતિની હત્યા કરી નાખી હતી. આ બનાવથી ગમગીની વ્યાપી ગઈ છે.
Recent Comments