જૂનાગઢ મહાશિવરાત્રીના દિવસે હર હર મહાદેવના નાદથી ગુંજ્યું
જૂનાગઢ સાધુ-સંતોનું પિયર કહેવાય છે. એમાંય મહાશિવરાત્રિ વખતે તો સમગ્ર દેશમાંથી અહીં સાધુ-સંતો ઊમટી પડે છે. મહા વદ નોમથી ભવનાથ મહાદેવને ધ્વજા અર્પણ કરી પાંચ દિવસના મેળાની શરૂઆત થાય છે. ભવનાથનો મેળો એટલે ભજન, ભોજન અને ભક્તિનો સમન્વય. આ મેળો કયા વર્ષમાં ભરાવવાની શરૂઆત થઈ એની કોઈ ચોક્કસ માહિતી મળતી નથી, પરંતુ છેલ્લાં ૧૪૦ વર્ષથી આ મેળો ભરાય છે એવો ઉલ્લેખ જાેવા મળે છે. પહેલાંના સમયમાં સામાન્ય માણસો કરતાં સાધુ-સંતો વધુ આવતા હતા. આ મેળાનું મુખ્ય આકર્ષણ સાધુ-બાવાઓની રવેડી છે. દેશ-વિદેશમાંથી લોકો આ રવેડી જાેવા માટે આવતા હોય છે. ભવનાથ તળેટીમાં રવેડીનું ભવનાથ મહાદેવ મંદિરેથી પ્રસ્થાન થાય છે.
જે ફરીને ભવનાથ મંદિરે પરત ફરે છે. આ રવેડીમાં જુદા-જુદા અખાડાના સાધુ-સંતો, દિગંબર સાધુઓ અને સાધ્વીઓ ભાગ લેતા હોય છે. આ રવેડીમાં ભગવાન શંકર અને ગુરુ દત્તાત્રેય પણ માણસનું સ્વરૂપ લઈને જાેડાતા હોવાની માન્યતા છે. આ રવેડીમાં સૌથી આગળ પંચદશનામી અખાડાની ગુરુ દત્તાત્રેયની પાલખી હોય છે. ત્યાર બાદ જૂના અખાડા આવે છે. એના પછી આહ્વાન અખાડા અને અગ્નિ અખાડાના સાધુઓ આવે છે. બાકી રવેડીમાં દિગંબરી ન હોય તેવા દશનામી ગોસ્વામી સાધુઓ જાેડાય છે. આ રવેડી જાેવા માટે રસ્તાની બંને તરફ રેલિંગ બાંધવામાં આવે છે, જેથી સામાન્ય માણસો ધક્કામુક્કી કરે નહીં. આ રવેડીમાં જાેડાતા તમામ અખાડા પાસે પોતાના અલગ-અલગ નિશાનવાળા ધ્વજાદંડ હોય છે, જે અખાડાની શરૂઆતમાં રાખવામાં આવે છે, જેથી અખાડાની ઓળખ કરી શકાય. આ રવેડીમાં નાગાબાવાઓ વિવિધ કરતબો કરી લોકોને આશ્ચર્યચકિત કરી દેતા હોય છે, જેમાં મુખ્યત્વે ભાલા, તલવાર, પટ્ટાબાજી અને લઠ્ઠાબાજી કરતા જાેવા મળે છે.
લોકોમાં એવી પણ માન્યતા પ્રવર્તે છે કે આ મેળામાં અમર આત્માઓ ગણાતા અશ્વત્થામા, રાજા ભરથરી, રાજા ગોપીચંદ પણ અચૂકપણે હાજર રહેતા હોય છે. આ રવેડીમાં વિવિધ કરતબો દેખાડવામાં આવતા હોય છે. જેવી રીતે ગાડીને દોરડું બાંધી જનેન્દ્રિયથી ખેંચતા હોય છે. આ ઉપરાંત સાધુઓ જનેન્દ્રિયથી કોઈ વજનદાર વસ્તુ ઊંચકીને બતાવતા હોય છે. કોઈ સાધુ લિંગ પર લોખંડનો સળિયો રાખી તેની બંને બાજુ માણસને ઊભા રાખી હેરતંગેઝ કરતબ કરી બતાવતા હોય છે. કેટલાક સાધુઓ તલવારબાજી તો વળી કેટલાક સાધુઓ લઠ્ઠાબાજી પણ કરતા જાેવા મળે છે. આ ઉપરાંત કેટલાક સાધુ પોતાની ઇન્દ્રિયને તલવાર કે લાકડીની ફરતે વીંટાળતા હોય છે. આમ, મંત્રમુગ્ધ કરી દે તેવાં કરતબો બતાવતું સાધુઓનું સરઘસ ભવનાથ મંદિરે પહોંચે છે.
Recent Comments