જેતપુરના રહેણાંક મકાનમાં એસએમસીનો દરોડો, વિદેશી દારૂની ૧૯૨ બોટલ ઝડપાઇ,
રાજકોટ શહેર બાદ જિલ્લામાં સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા દરોડો કરી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. રાજકોટ જિલ્લાના જેતપુર શહેરમાં એક બૂટલેગરના ઘરે દરોડો પાડી દારૂના જથ્થા સાથે તેની પત્નીને પકડી પાડી છે જ્યારે બૂટલેગર ફરાર થઈ જતાં તેની શોધખોળ શરૂ કરાઈ છે. ઉલ્લેખનીય છે કે ચાર દિવસ પૂર્વે સ્ટેટ મોનિટરિંગ સેલે કૂવાડવા પોલીસ મથક હેઠળ આવતાં નવાગામના ગોડાઉનમાં ત્રાટકીને નકલી વિદેશી દારૂ બનાવવાની ફેક્ટરી ઝડપી પાડી હતી. સ્ટેટ મોનિટરિંગ સેલના ડીવાયએસપી કે.ટી.કામરિયાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ આર.એ.જાડેજા સહિતની ટીમે બાતમીના આધારે રાજકોટ જિલ્લાના જેતપુર શહેર અમરનગર રોડ પર વિવેકાનંદ સ્કૂલ પાછળ આવેલી સોમનાથ સોસાયટીમાં ત્રાટકીને દારૂની ૧૯૨ બોટલ પકડી પાડી હતી.
દરોડો પાડ્યો એ સમયે બૂટલેગર ત્યાં હાજર નહોતો પરંતુ તેની પત્ની અમિતાબેન પ્રવીણભાઈ ગાંડુભાઈ ઠેસીયા ત્યાં હાજર હોય તેને નોટિસ ફટકારાઈ હતી. જ્યારે બૂટલેગર પ્રવિણ ગાંડુભાઈ ઠેસીયા હાજર નહીં મળી આવતાં તેને પકડવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. સ્ટેટ મોનિટરિંગ સેલે સ્થળ પરથી ૭૨૦૦૦ રૂપિયાની કિંમતની વિદેશી દારૂની ૧૯૨ બોટલ, એક વાહન મળી કુલ રૂ. ૧.૨૨ લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. ઉલ્લેખનીય છે કે આવતીકાલે થર્ટી ફર્સ્ટ હોવાને કારણે બૂટલેગરો પ્યાસીઓ સુધી કોઈ પણ ભોગે દારૂ પહોંચવા માટે મેદાને ઉતરી ગયા છે ત્યારે સ્થાનિક પોલીસની સાથે જ સ્ટેટ મોનિટરિંગ સેલે બૂટલેગરોના મનસુબા ઉપર પાણી ફેરવી દેવાનું નક્કી કર્યું હોય તેમ બૂટલેગરોમાં રીતસરનો ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે.
Recent Comments