જે ૨૦૧૪માં આવ્યા તેઓ ૨૦૨૪ બાદ રહી શકશે કે નહીં? : નીતિશકુમાર

બિહારમાં એકવાર ફરીથી સત્તા પરિવર્તન થઈ ગયું છે. જાે કે આ એક એવું સત્તા પરિવર્તન છે કે મુખ્યમંત્રી તો એના એજ રહ્યા એટલે કે નીતિશકુમાર પરંતુ અન્ય પાત્રો બદલાઈ ગયા છે. નીતિશકુમારે ભાજપને મોટો ઝટકો આપતા ગઠબંધન તોડી નાખ્યું અને હવે લાલુ પ્રસાદ યાદવની પાર્ટી આરજેડી સાથે મળીને સરકાર બનાવી લીધી. આજે તેમણે આઠમી વાર સીએમ પદના શપથ લીધા. આરજેડી નેતા તેજસ્વી યાદવે ડેપ્યુટી સીએમ પદના શપથ લીધા. નીતિશકુમારે આઠમીવાર બિહારના સીએમ પદના શપથ લીધા.
શપથગ્રહણ બાદ નીતિશકુમારે રાજ ભવનમાં મીડિયા સાથે વાતચીત કરી. આ દરમિયાન તેઓ ભાજપ પ્રત્યે કડક તેવર અપનાવતા જાેવા મળ્યા. તેમને જ્યારે પૂછવામાં આવ્યું કે શું તેઓ ૨૦૨૪માં લોકસભા ચૂંટણીમાં વિપક્ષ તરફથી પીએમ પદના ઉમેદવાર હશે તો તેમણે જવાબમાં મોટું નિવેદન આપ્યું. પહેલા તો તેમણે કહ્યું કે અમારી એવી કોઈ દાવેદારી નથી. પરંતુ આગળ જે કહ્યું તે બધાને વિચારતા કરી નાખે તેવું છે. નીતિશકુમારે કહ્યું કે અમારી કોઈ પણ પદ માટે કોઈ દાવેદારી નથી. પરંતુ જે ૨૦૧૪માં આવ્યા તેઓ ૨૦૨૪ બાદ રહી શકશે કે નહીં? એટલે કે તેમણે હાલની કેન્દ્ર સરકાર અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ૨૦૨૪ની લોકસભા ચૂંટણીમાં જીત ઉપર સવાલ ઉભા કરી દીધા છે.
બિહારના સીએમ નીતિશકુમારનું આ નિવેદન એટલા માટે પણ મહત્વનું ગણવામાં આવી રહ્યું છે કે તેઓ સામાન્ય રીતે આ પ્રકારના નિવેદનોથી અંતર જાળવે છે. આ સાથે જ ૨૦૧૩માં જ્યારે નરેન્દ્ર મોદીને ભાજપનો ચહેરો જાહેર કરાયા હતા ત્યારથી નીતિશકુમાર સાથે ભાજપના સંબંધ સારા નથી. નીતિશે પહેલા પણ ભાજપ સાથે આ મુદ્દે જ ગઠબંધન તોડ્યું હતું. હવે જ્યારે નીતિશકુમારે એકવાર ફરીથી ભાજપ સાથે અંતર જાળવ્યું છે તો તેમણે નામ લીધા વગર પીએમ મોદી પર નિશાન સાધ્યું છે. નીતિશકુમારના વિરોધીઓ સતત તેમના પર પીએમ પદ માટે દાવેદારીની મહત્વકાંક્ષા હોવાનો આરોપ પણ લગાવતા રહ્યા છે.
Recent Comments