જ્ઞાનપિપાસાનું ઘર : વર્ષ ૧૮૮૬થી કાર્યરત અમરેલી સરકારી જિલ્લા પુસ્તકાલય
ગાયકવાડી શાસનકાળ દરમિયાન વર્ષ ૧૮૮૬માં સ્થાપવામાં આવેલું પુસ્તકાલય આજે પણ અમરેલી શહેરના નાગરિકોની જ્ઞાનપિપાસાને સંતોષી રહ્યું છે, આ સરકારી જિલ્લા પુસ્તકાલય ધર્મ,વિજ્ઞાન, સાહિત્ય, મહાપુરુષોના જીવન ચરિત્ર, સ્પર્ધાત્મક પરીક્ષા સહિતના વિષયોના ૪૦ હજારથી વધુ પુસ્તકોથી સમૃદ્ધ છે.૬ઠ્ઠી સપ્ટેમ્બર એટલે કે રાષ્ટ્રીય પુસ્તક વાંચન દિવસની શુભેચ્છાઓ પાઠવતા સરકારી જિલ્લા પુસ્તક લઈને ગ્રંથપાલ શ્રી અલ્પેશ નકુમ જણાવે છે કે, ગુજરાત સરકારના દ્વારા વર્ષ ૨૦૧૦માં રિડેવલ્પ્ડ થયેલું આ પુસ્તકાલય ફ્રી વાઇફાઇ, સીસીટીવી કેમેરા, વિદ્યાર્થી ભાઈઓ-બહેનો અને સિનિયર સિટીઝન માટે બેઠક વ્યવસ્થા, પીવાના ઠંડા પાણી સહિતની અદ્યતન સુવિધાઓથી સજજ છે. ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી ભાષામાં કુલ ૪૦ હજારથી વધુ પુસ્તકોથી સમૃદ્ધ આ લાઇબ્રેરીમાં ૬૦થી વધુ સામયિકો અને ૧૫થી વધુ દૈનિક અખબારો નાગરિકોને વાંચવા મળે છે. આ પુસ્તકાલયમાં ૬,૩૯૧ જેટલા સભ્યો નોંધાયેલા છે.
બાળકો માટે બાળ સાહિત્ય અને અમરેલી જિલ્લાના સપૂત એવા ઝવેરચંદ મેઘાણી દ્વારા રચિત સાહિત્યના પુસ્તકો માટે એક અલગથી ઝવેરચંદ મેઘાણી કોર્નર પણ રાખવામાં આવ્યું છે. તેમણે કહ્યુ કે, દર વર્ષે નવીન પુસ્તકો ખરીદવા માટે રાજ્ય સરકાર દ્વારા અનુદાન આપવામાં આવે છે. વાચકો માટે પણ જરુરી સુવિધાઓ વધારવામાં આવી રહી છે.
ઉલ્લેખનીય છે કે, આ પુસ્તકાલયમાં વાંચન કરતા વિદ્યાર્થીઓ વર્ગ ૧-૨ સહિતની સરકારી સેવામાં જોડાયા છે. અહીં યુપીએસસી-જીપીએસસી સહિતની સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીઓ કરવા માટે આશરે ૧,૦૦૦થી વધુ પુસ્તકો ઉપલબ્ધ છે, જેનો વિદ્યાર્થી-વિદ્યાર્થીનિઓ લાભ મેળવી રહ્યા છે.
છેલ્લા દશેક વર્ષથી સરકારી જિલ્લા પુસ્તકાલયમાં સભ્ય છે, એવા શ્રી પ્રશાંતભાઇ શેલડીયા કહે છે કે, લગભગ નિઃશુલ્ક કહી શકાય તેવી નહિવત ફી ચૂકવવાની છે પરંતુ જે પુસ્તકો અને તેને વાંચવાની તક મળી રહે છે તે અમૂલ્ય છે. વાચકોને આ પુસ્તકાલયમાંથી તેમની પસંદગીના લગભગ દરેક વિષયના પુસ્તકો મળી રહે છે.શ્રી સુનિતાબેન ગેગડીયા જણાવે છે કે, વાઇફાઇ સહિતની અદ્યતન સુવિધાઓથી સભર આ લાઇબ્રેરીમાં સ્પર્ધાત્મક પરીક્ષા માટેના જરુરી પુસ્તકો પણ મળી રહે છે. પુસ્તકાલયમાં સુવિધાઓ છે તે વાંચન કરતા વિદ્યાર્થીઓ માટે આશીર્વાદરુપ છે.
Recent Comments