PM નરેન્દ્ર મોદીએ ગુરુવારે દિલ્હીમાં સમાજવાદી પાર્ટીના વડા મુલાયમ સિંહ યાદવ સાથે મુલાકાત કરી હતી. આ સિવાય નેશનલ કોન્ફરન્સના નેતા ફારૂક અબ્દુલ્લા પણ આ દરમિયાન હાજર હતા. સંસદનું બજેટ સત્ર સમાપ્ત થયા બાદ પીએમ નરેન્દ્ર મોદીએ લોકસભા સ્પીકર ઓમ બિરલાની હાજરીમાં વિપક્ષના આ અગ્રણી નેતાઓ સાથે મુલાકાત કરી હતી. એટલું જ નહીં સ્થળ પર રક્ષા મંત્રી રાજનાથ સિંહ પણ હાજર હતા. આ દરમિયાન તમામ નેતાઓ હળવી મુદ્રામાં જોવા મળ્યા અને મજાક કરતા જોવા મળ્યા. પીએમ નરેન્દ્ર મોદી અગાઉ પણ ઘણી વખત SPના નેતા મુલાયમ સિંહ યાદવને ખૂબ સદ્દભાવ સાથે મળ્યા છે. પીએમ નરેન્દ્ર મોદી આ દરમિયાન કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીને પણ મળ્યા હતા. આ બેઠકોની તસવીરો લોકસભા સ્પીકર ઓમ બિરલાએ પોતાના ટ્વિટર એકાઉન્ટ પર શૅયર કરી છે. ઓમ બિરલાએ તસવીરો શેર કરતા લખ્યું, ‘લોકસભાની કાર્યવાહી અનિશ્ચિત મુલતવી બાદ તમામ પક્ષોના નેતાઓને વિનંતી કરી કે ગૃહની ગરિમા વધારવા અને ચર્ચા અને સંવાદનું સ્તર વધારવા માટે સામૂહિક પ્રયાસોની જરૂર છે. આશા છે કે તમામ પક્ષો આમાં સક્રિય સહકાર આપશે.” તેમણે કહ્યું કે 17મી લોકસભાનું 8મું સત્ર આજે મોકૂફ રાખવામાં આવ્યું હતું. સત્રની શરૂઆતમાં માનનીય રાષ્ટ્રપતિએ તેમના સંબોધન દ્વારા દેશવાસીઓને માર્ગદર્શન આપ્યું હતું. સત્રમાં માનનીય વડાપ્રધાન અને તમામ પક્ષોના માનનીય સભ્યોનો સક્રિય સહકાર હતો. સત્રની ઉત્પાદકતા 129% રહી. ઓમ બિરલાએ કહ્યું કે આ સત્રમાં કુલ 13 બિલોને મંજૂરી આપવામાં આવી છે. આ ઉપરાંત પ્રશ્નકાળમાં દરરોજ 8 જેટલા પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. જળવાયુ પરિવર્તન, યુક્રેન સંકટ જેવા મુદ્દાઓ પર ઉંડાણપૂર્વક ચર્ચા કરવામાં આવી હતી.
જ્યારે PM મોદી મુલાયમ સિંહ અને સોનિયા ગાંધીને મળ્યા… ઓમ બિરલાએ શૅયર કરી તસવીરો

Recent Comments