fbpx
રાષ્ટ્રીય

ઝારખંડના ધનબાદના આશીર્વાદ ટાવરમાં ભીષણ આગ, ૧૪ લોકોના મોત, ૧૮ લોકો ઈજાગ્રસ્ત

ઝારખંડના ધનબાદમાં એક બહુમાળી બિલ્ડિંગમાં ભીષણ આગ લાગી છે. જાણવા મળી રહ્યું છે કે ધનબાદ સ્થિત આશીર્વાદ ટાવરમાં આગ લાગી છે. આ ઘટના બાદ ઇમારતમાં અફરા-તફરીનો માહોલ છે. દુર્ઘટનામાં અત્યાર સુધી ૧૪ લોકોના મોત થઈ ચુક્યા છે, જ્યારે અન્ય લોકોને ઈજા પહોંચી છે. આગ લાગવાની માહિતી મળતા ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. મોટી સંખ્યામાં પોલીસકર્મીઓ પણ રાહત અને બચાવ કામગીરી માટે પહોંચ્યા છે. આ અગ્નિકાંડમાં ચાર ફ્લેટ સળગીને ખાખ થઈ ગયા છે. મૃત્યુ પામનારમાં ૮ મહિલાઓ અને ચાર બાળકો સામેલ છે.

૧૮ લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આ દુર્ઘટનામાં મહિલાઓ અને બાળકો વધુ ભોગ બન્યા છે. સત્તવાર સૂત્રોનું કહેવું છે કે મૃત્યુ પામનારની સંખ્યા વધી શકે છે કારણ કે ઈમારતમાં હજુ ઘણા લોકો ફસાયેલા છે. ડરાવનારી વાત છે કે આ ઇમારતમાં આગ નીચેથી લાગી જે ઉપર સુધી પહોંચી છે. અત્યાર સુધી ચાર ફ્લેટ તો સળગી ગયા છે. પોલીસ અને ફાયરના જવાનો રાહત અને બચાવ કામગીરીમાં લાગેલા છે. દુર્ઘટનામાં ૧૮ જેટલા લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત છે. આ લોકોને પાસે આવેલી પીએમસીએચ હોસ્પિટલમાં દાખલ કરાવવામાં આવ્યા છે. જિલ્લા તંત્રએ મોટી સંખ્યામાં એમ્બ્યુલન્સ સ્થળ પર પહોંચાડી છે.

જાણવા મળી રહ્યું છે કે જે ફ્લેટમાં આગ લાગી તેમાં રહેનાર પરિવારમાં લગ્ન હતા. આ ફ્લેટમાં સિલિન્ડર બ્લાસ્ટ થયો અને આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધુ હતું. ૧૦ માળના આશીર્વાદ ટાવરમાં ભીષણ આગથી લોકોમાં ડરનો માહોલ છે. લોકો પોતાના પરિવારજનો માટે ચિંતાતૂર બન્યા છે. આગ ફેલાવાને કારણે રાહત કાર્યમાં પણ મુશ્કેલી પડી રહી છે. આસપાસના પોલીસ સ્ટેશનના જવાનોને પણ દુર્ઘટનાસ્થળે બોલાવવામાં આવ્યા છે. જાણવા મળી રહ્યું છે કે અહીં ઘણા લોકો ફસાયેલા છે. બાળકો, મહિલાઓ અને વૃદ્ધિનો રાડો પાડવાનો અવાજ આવી રહ્યો છે. આગની લપેટો વિકરાળ બની રહી છે. દૂર સુધી આગના ગોળા જાેવા મળી રહ્યાં છે. મામલામાં રાજ્યના મુખ્યમંત્રી હેમંત સોરેને દુખ વ્યક્ત કર્યું છે. મૃતકોના પરિવારજનોને સાંત્વના આપી છે.

તેમણે કહ્યું કે દુર્ઘટનામાં ઈજાગ્રસ્તોની સારવાર કરાવવામાં આવી રહી છે. તેમણે કહ્યું કે તે આ ઘટના પર નજર રાખી રહ્યાં છે. મુખ્યમંત્રીએ ટ્‌વીટ કરીને કહ્યું- ‘ધનબાદના આશીર્વાર ટાવર એપાર્ટમેન્ટમાં આગ લાગવાથી લોકોના મૃત્યુ અત્યંત દુખદ છે. જિલ્લા તંત્ર યુદ્ધ સ્તર પર કામ કરી રહ્યું છે તથા દુર્ઘટનામાં ઈજાગ્રસ્તોને સારવાર ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. હું આ મામલાને જાેઈ રહ્યો છું. પરમાત્મા દિવંગત આત્માઓને શાંતિ પ્રદાન કરે શોકગ્રસ્ત પરિવારોને દુખની આ વિકટ ઘડીને સહન કરવાની શક્તિ આપે. ઈજાગ્રસ્તોને તત્કાલ સારવાર ઉપલબ્ધ કરાવવા માટે દરેક સંભવ કાર્ય કરવામાં આવી રહ્યું છે.’

Follow Me:

Related Posts