ગુજરાત

ઝુંડાલ કેનાલમાં પડતુ મૂકનાર યુવતી ગાંધીનગર સિવિલમાંથી ભાગી જતા દોડધામ

ગાંધીનગરનાં ઝુંડાલ નર્મદા કેનાલમાં સોમવારે સવારે ચાંદખેડાની ૨૦ વર્ષીય યુવતીએ પડતું મુકી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. ત્યારે કેનાલની બહાર બેભાન અવસ્થામાં પડેલી યુવતીને ગાંધીનગર સિવિલ હોસ્પિટલ સારવાર અર્થે દાખલ કરવામાં આવી હતી. બીજી તરફ પોલીસ પહોંચે તે પેહલા જ યુવતી સિવિલમાંથી ભાગી જતાં દોડધામ મચી જવા પામી હતી.
ઝુંડાલ નર્મદા કેનાલની બહાર ગઈકાલે સવારે કોઈ અજાણી યુવતી બેભાન અવસ્થામાં પડી હોવાની જાણ થતાં રાહદારીઓ મોટી સંખ્યામાં એકઠા થઇ ગયા હતા. બેભાન હાલતમાં પડેલી યુવતીના કપડાં એકદમ ભીની હાલતમાં હોવાથી તેણીએ કેનાલમાં આપઘાત નો પ્રયાસ કર્યો હોવાનું માલુમ પડયું હતું.


આ બનાવની જાણ થતાં ૧૦૮ એમ્બ્યુલન્સ ની ટીમ તાત્કાલિક કેનાલ પર દોડી ગઈ હતી અને યુવતીની પ્રાથમીક સારવાર કરી હતી, પરંતુ યુવતી બેભાન અવસ્થામાં હોવાથી કાંઈ પ્રત્યુત્તર આપી શકતી ન હતી. જેનાં કારણે સ્થિતિ પારખી ગયેલી ૧૦૮ની ટીમ તેને તાબડતોબ ગાંધીનગર સિવિલ હોસ્પિટલ લઈ આવી હતી.

સિવિલમાં ફરજ પરના તબીબે યુવતીની પ્રાથમિક સારવાર કરી તેને ઈમરજન્સી વોર્ડમાં દાખલ કરી બાટલા ચડાવ્યા હતા. થોડી વાર પછી યુવતીને થોડુંક ભાન આવતા તે ચાંદખેડામાં રહેતી હોવાની જાણકારી ફરજ પરના સ્ટાફને આપી હતી અને ઘર કંકાસના કારણે સવારે ઘરથી નીકળી ગઈ હતી. તેમ છતાં પરિવારજનો તેની શોધખોળ કરવા ન આવતા તે ઝુંડાલ નર્મદા કેનાલ આવીને અંદર પડતું મુક્યું હતું. આટલી આપવીતી કહ્યા પછી ફરી પાછી યુવતી બેભાન થઈ ગઈ હતી.

આ બનાવના પગલે અડાલજ પોલીસને જાણ કરવામાં આવી હતી. ત્યારે સિવિલના સૂત્રોએ જણાવ્યું હતું કે યુવતીએ કેનાલમાં પડતું મુક્યું હતું પરંતુ તેને કોણે કેનાલમાંથી બહાર કાઢી તે હજી જાણવા મળ્યું નથી. યુવતી બેભાન હોવાથી તેની વધુ જાણકારી મળી શકી નથી. પરંતુ તેણે ઘર કંકાસથી કંટાળીને કેનાલમાં આપઘાતનો પ્રયાસ કર્યો હોવાનું પ્રાથમિક રીતે જાણવા મળ્યું છે.

બીજી તરફ સાંજ પડતાં યુવતીને ભાન આવતાં તે સિવિલમાં જવાબદાર કર્મચારીને કહ્યા વિના વોર્ડમાંથી ભાગી હતી. જેનાં પગલે સિવિલ તંત્રમાં દોડધામ મચી જવા પામી હતી. ત્યારે સિવિલ દોડી આવેલી અડાલજ પોલીસ પણ યુવતી ભાગી જતાં અવઢવમાં મુકાઈ ગઈ હતી. આ બનાવના પગલે પોલીસે યુવતીનાં ઘરનું સરનામું મેળવીને વધુ તપાસ શરૂ કરી હતી.

Follow Me:

Related Posts