રાષ્ટ્રીય

ટામેટા કરતાં આદુ મોંઘું થયું, કર્ણાટકમાં આદુના ભાવમાં ઉછાળો, આદુનો ભાવ ૪૦૦ રૂપિયા થયો

દેશમાં હાલ ચોમાસું સક્રિય છે અને લગભગ બધા જ રાજ્યોમાં વરસાદ પડી રહ્યો છે. ઉત્તર ભારતમાં વરસાદ આફત બનીને વરસ્યો હતો. તેની અસર કૃષિ ઉત્પાદન પર પડી હતી અને તેમાં ઘટાડો થયો હતો. આ જ કારણ છે કે મોંઘવારી વધી રહી છે. લગભગ તમામ રાજ્યોમાં લીલા શાકભાજી મોંઘા થઈ ગયા છે. ભીંડા, કેપ્સિકમ, દુધી, પરવલ અને કારેલાના ભાવમાં વધારો થયો છે. પરંતુ સૌથી વધુ ટામેટાના ભાવમાં અચાનક થયેલા વધારાથી લોકો પરેશાન થઈ ગયા છે. ૨૦ થી ૪૦ રૂપિયા પ્રતિ કિલો મળતા ટામેટા હવે ૧૫૦ થી ૨૦૦ રૂપિયા પ્રતિ કિલો વેચાઈ રહ્યા છે.

ઘણા રાજ્યોમાં તેની કિંમત ૧૦૦ થી ૧૫૦ રૂપિયા પ્રતિ કિલો છે. પરંતુ હવે ટામેટા કરતા આદુ વધારે મોંઘુ થયું છે. તમામ રાજ્યોમાં તેની કિંમત ટામેટા કરતા પણ વધુ છે. બિહારની રાજધાની પટનામાં ટામેટા ૧૨૦ થી ૧૪૦ રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહ્યા છે. રાજ્યના અન્ય શહેરો અને નગરોમાં તેની કિંમત પણ ૧૦૦ રૂપિયા પ્રતિ કિલો છે. પરંતુ બિહારમાં આદુ ટામેટા કરતા પણ મોંઘુ થઈ ગયું છે. પટનામાં એક કિલો આદુનો ભાવ ૨૪૦ થી ૨૫૦ રૂપિયા છે. એટલે કે પટનામાં આદુની કિંમત ટામેટા કરતા બમણી છે.
કર્ણાટકમાં આદુના ભાવમાં પણ ઉછાળો જાેવા મળ્યો છે. અહીં એક કિલો આદુનો ભાવ ૪૦૦ રૂપિયા થયો છે. છેલ્લા એક દાયકામાં પહેલીવાર આદુ આટલું મોંઘું થયું છે. મોંઘવારીની સ્થિતિ એવી છે કે હવે ખેતરોમાંથી આદુની ચોરી થવા લાગી છે. અહીં આદુ કરતાં ટામેટા સસ્તા છે. રાજધાની બેંગલુરૂમાં ટામેટાની કિંમત ૧૩૦ થી ૧૫૦ રૂપિયાની વચ્ચે છે.

રાજધાની દિલ્હીમાં પણ આદુ ટામેટા કરતા મોંઘુ છે. અહીં એક સપ્તાહ પહેલા ટામેટાનો ભાવ પ્રતિ કિલો ૨૦૦ રૂપિયાને પાર કરી ગયો હતો. ઘણી જગ્યાએ એક કિલો ટામેટાનો ભાવ ૨૫૦ રૂપિયા સુધી પહોંચી ગયો હતો. પરંતુ હવે ભાવ ઓછા થયા છે. હવે ટામેટાં ૧૦૦ થી ૧૨૦ રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહ્યા છે. પરંતુ છૂટક બજારમાં આદુ ૨૪૦ થી ૨૫૦ રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહ્યું છે.

ઉત્તર પ્રદેશના લખનૌમાં શુક્રવારે ટામેટા ૨૦૦ રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાયા હતા. જ્યારે એક કિલો આદુની કિંમત ૩૦૦ રૂપિયા છે. જાે પશ્ચિમ બંગાળની વાત કરીએ તો તેની રાજધાની કોલકાતામાં શુક્રવારે ટામેટાનો ભાવ ૧૪૦ રૂપિયા પ્રતિ કિલો હતો, જ્યારે આદુનો ભાવ ૨૨૦ રૂપિયા પ્રતિ કિલો છે. જાે અમદાવાદની વાત કરવામાં આવે તો આદુની કિંમત ૩૨૦ થી ૩૬૦ રૂપિયા છે.

Related Posts