fbpx
રાષ્ટ્રીય

ટેકનિકલ ખામીના કારણે પાકિસ્તાનમાં મિસાઈલ પડતા ભારતે ખેદ વ્યક્ત કર્યો

ભારતે પાકિસ્તાન પર ‘આકસ્મિક રીતે મિસાઈલ ફાયર’ કરી હોવાનું સ્વીકાર્યું હતું. આ ઘટનાની પુષ્ટિ કરતા ભારત સરકારે કહ્યું કે આ ખૂબ જ ખેદજનક છે. રક્ષા મંત્રાલયે કહ્યું કે ૯ માર્ચ, ૨૦૨૨ના રોજ નિયમિત જાળવણી દરમિયાન ટેકનિકલ ખામીના કારણે મિસાઈલ અચાનક ફાયર થઈ ગઈ હતી. ભારત સરકારે આ મામલાને ગંભીરતાથી લીધો છે અને ઉચ્ચ સ્તરીય કોર્ટ ઓફ ઈન્ક્‌વાયરીનો આદેશ આપ્યો છે. સંરક્ષણ મંત્રાલયે કહ્યું, એવી માહીતી મળી રહી છે કે મિસાઇલ પાકિસ્તાનના એક વિસ્તારમાં પડી હતી. આ ઘટના ખૂબ જ ખેદ જનક છે. સાથે જ એ પણ રાહતની વાત છે કે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. પાકિસ્તાન સેનાએ ગુરુવારે દાવો કર્યો હતો કે ભારત તરફથી મિસાઈલ છોડવામાં આવી હતી. જે પાકિસ્તાનના પંજાબ પ્રાંતના એક વિસ્તારમાં પડી હતી. પાકિસ્તાની સેનાના પ્રવક્તા મેજર જનરલ બાબર ઈફ્તિખારે મીડિયાને જણાવ્યું કે, ૯ માર્ચે સાંજે ૬.૪૩ કલાકે એક હાઈ-સ્પીડ ઑબ્જેક્ટ ભારતીય ક્ષેત્રમાંથી ઉડાન ભરી અને માર્ગ છોડીને પાકિસ્તાનની સીમામાં ઘૂસી ગઈ હતી. બીજી તરફ પાકિસ્તાને ઈસ્લામાબાદમાં ભારતના દૂતાવાસના ઈન્ચાર્જને બોલાવીને મિસાઈલ મામલાને લઈને સમન્સ પાઠવ્યું હતું. પાકિસ્તાને તેના એરસ્પેસના કથિત ઉશ્કેરણી જનક ઉલ્લંઘન પર તેનો સખત વિરોધ નોંધાવ્યો હતો.

તેમજ ઘટનાની ઝીણવટભરી અને પારદર્શક તપાસની માંગણી કરી હતી. પાકિસ્તાની વિદેશ કાર્યાલયએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે ભારતીય રાજદ્વારીને ઉડતી ભારતીય સુપર-સોનિક ઑબ્જેક્ટ દ્વારા તેના એરસ્પેસના કથિત ઉલ્લંઘનની જાણ કરવામાં આવી હતી. આ વસ્તુ ૯ માર્ચે સ્થાનિક સમય અનુસાર સાંજે ૬.૪૩ વાગ્યે ભારતના ‘સુરતગઢ’થી પાકિસ્તાનમાં પ્રવેશી હતી. બાદમાં, પાકિસ્તાનના પંજાબ પ્રાંતના મિયાં ચુન્નુ શહેરમાં તે જ દિવસે સાંજે ૬.૫૦ વાગ્યે આ વસ્તુ જમીન પર પડી, જેના કારણે નાગરિક સંપત્તિને નુકસાન થયું. વિદેશ કાર્યાલયે જણાવ્યું હતું કે, ભારતીય રાજદ્વારીને જાણ કરવામાં આવી હતી કે આ ઉડતી વસ્તુના અવિવેકપૂર્ણ રીતે છોડવાથી ન માત્ર નાગરિક સંપત્તિને નુકસાન થયું પરંતુ માનવ જીવન માટે પણ ખતરો ઉભો થયો. તેણે કહ્યું કે, આનાથી પાકિસ્તાનની એરસ્પેસમાં ઘણી સ્થાનિક/આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્‌સ માટે પણ જાેખમ ઉભુ થયું હતું અને તે ગંભીર વિમાન દુર્ઘટનાનું કારણ બની શકતી હતી. પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહેમૂદ કુરેશીએ પણ આ ઘટના પર ચિંતા વ્યક્ત કરી હતી.

Follow Me:

Related Posts