ટેમ્પો ઊંધો વળતાં ત્રણ જણ નીચે દબાયાઃ એકનું મૃત્યુ
થાણેના કલવા વિસ્તારમાં ટ્રકની જાેરદાર ટક્કર બાદ ટેમ્પો ઊંધો વળતાં તેની નીચે ત્રણ જણ દબાયા હતા, જેમાંના એકનું મોત થયું હતું. કલવા પોલીસે આ પ્રકરણે ગુનો દાખલ કરી ટ્રક ડ્રાઇવર વિકાસ ગૌડની ધરપકડ કરી હતી.
આ અકસ્માતમાં મૃત્યુ પામેલા શખસની ઓળખ ભૂષણ માળી તરીકે થઇ હતી, જ્યારે ઘાયલ સંદીપ પાટીલ અને જગદીશ માળીને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં તેમની હાલત નાજુક હોવાનું પોલીસે કહ્યું હતું.
ખારેગાંવ ટોલનાકાથી થોડે દૂર પારસિકનગર તરફ જતા માર્ગ પર સોમવારે મળસકે આ અકસ્માત થયો હતો. અમલનેરના રહેવાસી ભૂષણ માળી, સંદીપ પાટીલ અને જગદીશ માળી શાકભાજીથી ભરેલા બે ટેમ્પો લઇને નવી મુંબઈની એપીએમસી માર્કેટ આવવા નીકળ્યા હતા.
દરમિયાન પારસિકનગર નજીક આવ્યા બાદ લઘુશંકા કરવા માટે તેમણે ટેમ્પો થોભાવ્યા હતા. બંને ટેમ્પોની વચ્ચે તેઓ લઘુશંકા કરી રહ્યા હતા ત્યારે પુરપાટ વેગે આવેલી ટ્રકે ટેમ્પોને પાછળથી જાેરદાર ટક્કર મારતાં ટેમ્પો ઊંધો વળ્યો હતો અને ત્રણેય નીચે દબાઇ ગયા હતા, જેમાં ભૂષણ માળીનું મૃત્યુ થયું હતું.
Recent Comments