ટ્રેનમાં મુસાફરી દરમિયાન સામાન્ય લોકો તરફથી અનેક પ્રકારની અવ્યવસ્થાની ફરિયાદો કરવામાં આવે છે. પણ આ વખતે મામલો જરા જુદો હતો. અલ્હાબાદ હાઈકોર્ટના ન્યાયાધીશ જસ્ટિસ ગૌતમ ચૌધરીએ અધિકારીઓ, જીઆરપી કર્મચારીઓ અને પેન્ટ્રી કારના મેનેજરને પત્ર મોકલીને તેમની ટ્રેનની મુસાફરી દરમિયાન થયેલી અસુવિધા માટે સ્પષ્ટતા માંગી છે. જસ્ટિસ ગૌતમ ચૌધરી ૮ જુલાઈના રોજ તેમની પત્ની સાથે નવી દિલ્હીથી પ્રયાગરાજ ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા હતા, પરંતુ આ દરમિયાન તેમણે તેમની જરૂરિયાતો પૂરી ન કરવા બદલ રેલવે અધિકારીઓ પાસેથી ખુલાસો માંગ્યો છે. આ મુદ્દે અલ્હાબાદ હાઈકોર્ટના રજીસ્ટ્રાર દ્વારા ઉત્તર મધ્ય રેલવે પ્રયાગરાજના જનરલ મેનેજરને પત્ર મોકલવામાં આવ્યો છે. ૧૪ જુલાઈના રોજ રેલવેના જીએમને લખેલા પત્ર અનુસાર, જસ્ટિસ ચૌધરીને તાજેતરમાં નવી દિલ્હીથી પ્રયાગરાજ જતી પુરુષોત્તમ એક્સપ્રેસના ફર્સ્ટ ક્લાસ એસી કોચમાં મુસાફરી કરતી વખતે નરસો અનુભવ થયો હતો. મુસાફરી દરમિયાન, ટ્રેન ૩ કલાકથી વધુ મોડી ચાલી રહી હતી, અને સંબંધિત સત્તાવાળાઓને વિલંબની જાણ કરવામાં આવી હોવા છતાં, ન્યાયાધીશ ચૌધરીની જરૂરિયાતો પૂરી કરવા માટે એક પણ સરકારી રેલવે પોલીસ (જીઆરપી) કર્મચારી કોચમાં હાજર ન હતો. આ સાથે ટીટીઈ (્્ઈ)ને પણ આ અંગે વારંવાર ફરિયાદ કરવામાં આવી હતી. આટલું જ નહીં, મુસાફરી દરમિયાન પેન્ટ્રી કારનો કોઈ કર્મચારી જસ્ટિસ પાસે નાસ્તો આપવા પહોંચ્યો ન હતો અને પેન્ટ્રી કાર મેનેજરને ફોન કરવા છતાં પણ તેમના તરફથી કોઈ જવાબ મળ્યો નહોતો. પત્રમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે, “આવી ઘટનાથી જસ્ટિસ ચૌધરીને ભારે અસુવિધા અને નારાજગી થઈ છે.” જસ્ટિસ ગૌતમ ચૌધરીએ હવે રેલવે અધિકારીઓ, જીઆરપી કર્મચારીઓ અને પેન્ટ્રી કાર મેનેજર પાસેથી તેમની ફરજ દરમિયાન કથિત બેદરકારીને કારણે થયેલી અસુવિધા માટે હાઈકોર્ટ રજિસ્ટ્રી દ્વારા ખુલાસો માંગ્યો છે.
ટ્રેનની મુસાફરી દરમિયાન થતી અસુવિધા પર અલ્હાબાદ હાઈકોર્ટના ન્યાયાધીશે કરી ટકોર

Recent Comments