ગુજરાત

ઠાસરાનાં ગળતેશ્વર વાડદ ગામમાં ૮ દિવસથી ગટરો ઉભરાતા રોગચાળો ફેલાવાની ભીતિ સર્જાઈ

ગળતેશ્વરના વાડદ ગામના હુસેની ચોકમાં છેલ્લા આઠ દિવસથી ગટર ઉભરાવાની સમસ્યા છે. ચોકના પ્રવેશ દ્વારે પડેલા મોટા ખાડામાં ગટરના ગંદા પાણીનો ભરાવો થઈ રહ્યો છે. જેના લીધે ગામમાં રોગચાળો ફેલાવાની ભીતિ સર્જાઈ છે. ત્યારે સત્વરે આ સમસ્યાનું સમાધાન આવે તેવી સ્થાનિકોની માંગણી ઉઠી છે. ગળતેશ્વર તાલુકાના વાડદ ગામના હુસેની ચોકમાં અઠવાડિયાથી ગટર ઉભરાઈ રહી છે.

ચોકના મુખ્ય રસ્તા અને દરવાજા પાસે પડેલા મોટા ખાડામાં ઉભરાયેલી ગટરનું પાણી ભરાઈ રહે છે. ત્યારે ગંદા પાણીના ભરાવાની પાસે જ બેંક આવેલી છે. જ્યાં અઠવાડિયામાં પાંચ દિવસ કોસમ, મીઠાના મુવાડ, ડભાઈ, દેરોલિયા, તરધૈયા, સોનૈયા, જરગાલના લોકો બેંકના કામકાજ માટે આવતા હોય છે. આંગણવાડીમાં આવતા નાના બાળકો સહિત વાલીઓ પણ ગંદા પાણી ખૂંદીને જવા મજબૂર બન્યા છે. બીજી તરફ ઈમામ મસ્જિદમાં નમાઝ અદા કરવા જતા મુસ્લિમ બિરાદરોને પણ આ ગટરના પાણીમાંથી જવું પડતા તેઓની ધાર્મિક લાગણી પણ દૂભાય છે. સારવાર લેવા દવાખાને જતા દર્દીઓ સહિત સ્થાનિકોને રોગચાળો ફેલાવાનો ભય પણ સતત છે. ત્યારે ગ્રામ પંચાયતના વહીવટદાર અને તલાટી કમ મંત્રી ગામમાં રોગચાળો ફેલાય તે પહેલા ઉભરાતી ગટરની સમસ્યાનું સમાધાન કરે તેવી માંગણી ઉઠી છે.

Related Posts