ડભોડામાંથી બાઇકની ચોરી કરનાર સિદ્ધપુરનો નબીરો ઝડપાયો

ગાંધીનગરનાં ડભોડા પોલીસ મથકની હદમાંથી બાઈકની ચોરી કરીને શહેરમાં ફરતા સિદ્ધપુરના બાઈક ચોરને સેકટર-૭ પોલીસ મથકની સર્વેલન્સ સ્કવોડ દ્વારા ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
ગાંધીનગરમાં વાહન ચોરીની ઘટનાઓ પોલીસ માથે માથાનો દુખાવો બની જવા પામી છે. એમાંય ગાંધીનગર સિવિલ હોસ્પિટલ સંકુલમાં સીસીટીવી કેમેરા કાર્યરત નહીં હોવાના કારણે વાહન ચોરોને મોકળું મેદાન મળી ગયું છે. વાહન ચોરીની ઘટનાઓ છાશવારે બનતી રહેતી હોવાથી સેકટર-૭ પોલીસ મથકના સર્વેલન્સ સ્કવોડના પીએસઆઈ એમ.એસ.રાણા તેમની ટીમ સાથે વાહન ચોરને ઝડપી લેવાની દિશામાં પ્રયત્નશીલ હતા. તે વખતે જમાદાર ધર્મેન્દ્રસિંહ ને બાતમી મળી હતી કે ડભોડા પોલીસ મથકની હદમાંથી ચોરાયેલા બાઈક સાથે એક ઈસમ સેકટર-૭ પોલીસ મથકની હદમાં ફરી રહ્યો છે.
બાતમી મળતાં પોલીસે વોચ ગોઠવીને બાઈક ચાલક યુવકને આબાદ રીતે ઝડપી લીધો હતો. જેની કડકાઈથી પૂછતાંછ કરતાં તેણે પોતાનું નામ કિશન જેસંગ ભાઈ પટ્ટણી હોવાનું કહી થોડા દિવસો અગાઉ ડભોડા પોલીસ મથકની હદમાંથી બાઈકની ચોરી કર્યાની કબૂલાત કરી હતી.
બાદમાં પોલીસે બાઈક ચોરીની અંગે પોકેટકોપ અને ઈ-ગુજ કોપ મારફતે ખરાઈ કરતા બાઈક ચોરીનો ગુનો દાખલ થયો હોવાનું જાણવા મળ્યું હતું. જેનાં પગલે બાઈક ચોર કિશનને ડભોડા પોલીસને સોંપી દઈ પોલીસે રાહતનો દમ લીધો હતો.
Recent Comments