fbpx
ગુજરાત

ડમી હોસ્પિટલોમાં સારવારનાં બિલોથી ૨૩ના ક્લેમ કરી વીમા કંપની સાથે ૨૪ લાખની ઠગાઈ કરી

જે હોસ્પિટલો અસ્તિત્વમાં જ નથી તેવી હોસ્પિટલોમાં સારવાર લીધી હોય તેવા બોગસ દસ્તાવેજાે બનાવી ૨૩ જણના ક્લેમ કરી એચડીએફસી અર્ગો જનરલ ઇન્સ્યોરન્સ કંપનીમાંથી રૂ.૨૩.૮૯ લાખનું ફુલેકું ફેરવનાર ૩ મહિલા સહિત ૫ વિરુદ્ધ નવરંગપુરા પોલીસે ગુનો નોંધ્યો છે. સીજી રોડ પરની એચડીએફસી અર્ગો જનરલ ઇન્સ્યોરન્સ કંપનીમાં શ્રદ્ધા હેરભા મેનેજર તરીકે ફરજ બજાવે છે. તેમણે નવરંગપુરા પોલીસમાં ભાવનગરના સંજય ખીમાણી, કિશોર કામલિયા, મહેસાણાનાં અમી પટેલ, અમદાવાદના નેહા કુચ્છા અને લક્ષ્મી શર્મા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે, જે મુજબ વીમા કંપનીમાંથી રોયલબેન પટેલે પોલિસી લીધી હતી અને તેમણે રૂ.૮૯,૬૩૪નો ક્લેમ કર્યો હતો, જેમાં તેમણે બનાસકાંઠાના ભગવાન ગઢ ગામમાં આવેલી નવજ્યોત મલ્ટિ સ્પેશ્યાલિટી હોસ્પિટલના ડો. એ. જી. ગુપ્તા પાસે પગના સ્નાયુના ઇજાની સારવાર લીધેલાં બિલો રજૂ કર્યાં હતાં.

કંપનીએ બનાસકાંઠા જઈ તપાસ કરતાં આવી કોઈ હોસ્પિટલ નહીં હોવાનું પ્રકાશમાં આવ્યું હતું. આથી રોયલ પટેલે ક્લેમ પાછો ખેંચી લીધો હતો. આ સિવાય ચિરાગ પટેલે વીમા કંપનીમાં રૂ.૯૯,૯૯૯નો ક્લેમ કર્યો હતો, જેમાં સાબરકાંઠાના ગામ અજિતપુરામાં આવેલી શ્રી મીરાં હોસ્પિટલના ડો. ભાવેશ પંચાલ પાસે હાથના સ્નાયુઓની સારવારના બિલો મૂક્યાં હતાં. કંપનીએ તપાસ કરી તો આ નામની હોસ્પિટલ ન હોવાનું જાણવા મળ્યું હતું.

આથી કંપનીએ અગાઉ ક્લેમ મંજૂર કરાવી ગયેલા ૨૩ જણની ફાઇલો જાેઈ તો તેમાં સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણમાં જે હોસ્પિટલો અસ્તિત્વમાં ન હોય તેવી હોસ્પિટલો અને તબીબોનાં નામે બિલો રજૂ કર્યા હતાં. આરોપીઓએ બે વર્ષમાં ૨૩ વીમાધારકોના નામે વિવિધ બીમારી બતાવી બોગસ હોસ્પિટલની ફાઇલો બોગસ ડોક્ટરના નામ-સિક્કા, સારવાર લીધાંનાં ખોટા લેબ રિપોર્ટ, લેબોરેટરીનાં બિલો, મેડિકલ બિલ, હોસ્પિટલનો સારવાર ખર્ચ તથા ડિસ્ચાર્જ સમરીના બોગસ કાગળો તૈયાર કરીને વીમા કંપનીમાં રજૂ કરી રૂ.૨૩.૮૯ લાખ મંજૂર કરાવી ઠગાઈ કરી હતી.

Follow Me:

Related Posts