વિધાનસભાની ચૂંટણી ૨૦૨૨ ને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે તમામ પાર્ટીઓ પોતાના દમખમ બતાવી પ્રચાર કરી રહી છે. ત્યારે ડાંગ જિલ્લાના ઘણાખરા ગામોમાં રસ્તો નહીં તો મત નહીંના નારા સાથે ગ્રામજનો ચૂંટણીમાં મત બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી રહ્યા છે. ડાંગ જેવા પછાત જિલ્લામાં વિવિધ મુશ્કેલીઓથી ત્રસ્ત થઈને જાગૃત બનેલા ગ્રામજનો તંત્ર સામે લાલ આંખો કરી રહ્યા છે. આહવા તાલુકાના બિલમાળ ગામના ગ્રામજનો દ્વારા અગાઉ ૧૮-૪-૨૨ ના રોજ જિલ્લા કલેક્ટરને રસ્તા બાબતે આવેદન આપ્યું હતું અને જાે યોગ્ય નિકાલ ન આવે તો ગાંધીજીના માર્ગે જવાની ચીમકી આપી હતી. પરંતુ સમસ્યાનો ઉકેલ ન આવતા બિલમાળ ફાટકથી ખોખરી સુધીનો રોડ આશરે પાંચ કિલોમીટર અને શિવ મંદિરથી અંજન પર્વત સુધીનો રસ્તો આશરે ચાર કિલોમીટરના ન બનતા ગ્રામજનોએ સામૂહિક મત બહિષ્કારની ચીમકી ઉચ્ચારી છે.
વધુમાં ગામના સ્થાનિક રહીશે જણાવ્યું હતું કે, આઝાદીના સમયથી ફક્ત ગામથી અંદર એક વર્ષ તો બન્યો છે. ત્યારબાદ આજદિન સુધી રસ્તો બન્યો નથી. ભારત વિશ્વગુરુ તરફ બનવા જઈ રહ્યો છે. ત્યારે ગામડાની આ દશા છે. ગામની અંદર સ્મશાન પાસે જવા માટે ફક્ત ૫૦૦ મીટરનો રસ્તો બનાવવામાં આવ્યો છે. ચોમાસાની અંદર કાદવ કીચડ વાળા વાતાવરણમાં મૃતદેહને લઈ જવા માટે ઘણી તકલીફો પડે છે. રસ્તો નહીં તો વોટ નહીં ના નારા સાથે તેઓએ જણાવ્યું હતું કે, અમે કલેક્ટર સાહેબને બે ત્રણ વાર રજૂઆત કરી પરંતુ આજ દિન સુધી તેનું કોઈ પણ પ્રકારે નિરાકરણ આવ્યું નથી. જેથી આ વખતની વિધાનસભાની ચૂંટણીનો અમે બહિષ્કાર કરીએ છીએ.
Recent Comments