ડૉ.બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિ.ના સ્પર્ધાત્મક યુવક મહોત્સવ “તેજતૃષા-2022″માં ભાવનગર રિજ્યોનલ સેન્ટર અને તેને સંલગ્ન કોલેજ સેન્ટરના વિદ્યાર્થીઓએ અલગ-અલગ 10 સ્પર્ધામાં ભાગ લઈ તમામ સ્પર્ધામાં શ્રેષ્ઠ દેખાવ કર્યો હતો. અમદાવાદ એસ.જી. હાઇવે સ્થિત ડૉ.બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના પિરસરમાં ગત તા.7ના રોજ “તેજતૃષા-2022” શિર્ષક તળે યુનિવર્સિટી કક્ષાનો સ્પર્ધાત્મક યુવક મહોત્સવ યોજાયો હતો. રંગારંગ અને ઉત્સાહભર્યા માહોલમાં યોજાયેલા આ સ્પર્ધાત્મક યુવક મહોત્સવ અંતર્ગત અલગ- અલગ પાંચ વિભાગમાં 19 સ્પર્ધાઓ યોજાઈ હતી.
જે પૈકી ભાવનગર રિજ્યોનલ સેન્ટરના નેતૃત્વ તળે વિવિધ કૉલેજ સેન્ટરમાં નોંધાયેલા પૈકીના 50થી વધુ વિદ્યાર્થીઓએ પ્રાચીન ગરબો, સમૂહ સંગીત, લોકગીત, રંગોળી, ક્લે મોડલિંગ, કૉલાજ, એકાંકી, ચિત્ર સ્પર્ધા, ઇન્સ્ટોલેશન અને જૂથ ચર્ચા મળીને 10 સ્પર્ધામાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. ભાવનગર રિજ્યોનલ સેન્ટર તળે નોંધાયેલી વિવિધ કોલેજ સેન્ટર ઉપરાંત રાજ્યના સાત રિજ્યોનલ સેન્ટરો અને તેમાં સંલગ્ન વિવિધ કોલેજ સેન્ટરના વિદ્યાર્થીઓ વચ્ચે દિવસ પર વિવિધ સ્પર્ધાઓમાં ભારે રસાકસી સર્જાઈ હતી.
એક જ દિવસમાં તમામ 19 સ્પર્ધાઓના અંતે રાત્રે રાજ્યના કેબિનેટ શિક્ષણ મંત્રીશ્રી જીતુભાઈ વાઘાણીની વિશેષ અધ્યક્ષતામાં પરિણામ જાહેર કરાયું હતું. જેમાં 10 પૈકી આઠ સ્પર્ધાઓમાં ભાવનગર સેન્ટરના વિદ્યાર્થીઓ પ્રથમ ક્રમે વિજેતા થયા હતા. જ્યારે અન્ય બે સ્પર્ધાઓમાં પ્રથમ ત્રણ ક્રમાંકમાં સ્થાન મેળવી કલાનગરી ભાવેણાંની યશકલગીમાં વધુ એક છોગું ઉમેર્યું હતું.તમામ વિજેતાઓને મંત્રીશ્રી જીતુભાઈ વાઘાણી તથા કુલપતિશ્રી ડૉ. અમીબેન ઉપાધ્યાયે ટ્રોફી આપી પુરસ્કૃત કર્યા હતા.ઉલ્લેખનીય છે કે, ડૉ.બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી દ્વારા ભાવનગર ખાતે રિજ્યોનલ સેન્ટર શરૂ કરવામાં આવ્યાને આઠ માસ જેટલો જ ટૂંકો સમય થયો છે.અને સેન્ટરના વડપણાં હેઠળ સૌપ્રથમ વખત યુનિવર્સિટીના સ્પર્ધાત્મક યુવક મહોત્સવમાં ભાગ લેવામાં આવ્યો હતો.
પરિણામ વિષે રિજ્યોનલ ડાયરેકટર ડૉ. પ્રીતિ જોષીએ જણાવ્યું કે, આ યુવક મહોત્સવમાં ભાવનગર રિજ્યોનલ સેન્ટર સાથે સંલગ્ન અને સિહોર સ્થિત ગોપીનાથજી કોલેજના વિદ્યાર્થીનીઓની ટીમે સમૂહ સંગીત અને પ્રાચિન ગરબા સ્પર્ધા એમ બન્નેમાં પ્રથમ ક્રમાંક મેળવ્યો છે.જ્યારે એકાંકીમાં મારુતિ કોલેજ તો માઈમ સ્પર્ધામાં ભાવનગર રિજ્યોનલ સેન્ટરની ટીમે પણ સમગ્ર રાજ્યમાં દ્રિતિય ક્રમાંક હાંસલ કર્યો છે.
જયારે, વ્યકિગત સ્પર્ધાઓ પૈકી લોકગીતમાં સિહોરની ગોપીનાથજી કોલેજ સેન્ટરની વિદ્યાર્થિની બાંભણીયા જલ્પા પ્રથમ,બાંભણીયા સાગર તૃતિય, રંગોલી સ્પર્ધામાં ભાવ. રિજ્યોનલ સેન્ટરનો વિદ્યાર્થી મકવાણા ઇશ્વર તૃતિય,ક્લે મોડેલીંગમાં તક્ષશીલા કોલેજ સેન્ટરનો વિદ્યાર્થી ચોવાલીયા ભરત, કોલાજમાં ચોવાલીયા મહેશ પ્રથમ, જયારે મકવાણા ઇશ્વર (ભાવ. રિજ્યોનલ સેન્ટર) તૃતિય આવ્યો હતો.એ જ રીતે તત્કાલ ચિત્ર સ્પર્ધામાં સોલંકી વિવેક (ભાવ.રિજ્યોનલ સેન્ટર) પ્રથમ અને ઇન્સ્ટોલેશન સ્પર્ધામાં ભાવ.રિજ્યોનલ સેન્ટરના જાંબુચા ધર્મેશ પ્રથમ અને મકવાણા ઇશ્વરે તૃતિય સ્થાન હાંસલ કર્યું હતું. વિજેતા વિદ્યાર્થીઓ તથા તેમના કોલેજ સેન્ટરને આ જીત બદલ ભાવ.રિજ્યોનલ સેન્ટરને યુનિ.ના કુલપતિશ્રી ડૉ.અમીબેન ઉપાધ્યાય તથા સમગ્ર સ્ટાફે અભિનંદન પાઠવ્યા હતા.


















Recent Comments