છોટાઉદેપુર જિલ્લાના પાવીતેજપુરના આંબાખૂટ ગામમાં રીંછે ૫૫ વર્ષીય આધેડનું મોં ફાડી નાંખ્યું હતું. આ આધેડને તેના પરિવારજનો આંખના પોપચા, નાક, ગાલ સહિતનો ભાગ ફાડી ખાતા ચહેરાની બાકી વધેલી ત્વચા સાથે લોહી નિંગળતી હાલતમાં રાત્રે તેના પરિવારજનો એસએસજીમાં લાવ્યાં ત્યારે હાજર તબીબો પણ અવાચક થઇ ગયા હતા. આ દર્દીનું સયાજી હોસ્પિટલમાં ૪ કલાકની પ્લાસ્ટિક સર્જરી-એનેસ્થેસિયા વિભાગના ૮ તબીબોની ટીમે સર્જરી કરી હતી.
આ સર્જરી દરમિયાન ૩૦૦થી વધુ ટાંકા લેવામાં આવ્યાં હતા. પ્લાસ્ટિક વિભાગના સર્જન ડો. શૈલેશ સોનીએ જણાવ્યું કે, સામાન્યત ઃ આટલી ઇન્જરી હોય ત્યારે સર્જન માટે પણ પડકારરૂપ હોય છે. સવારે ૯ વાગ્યાથી એક વાગ્યા સુધી આ સર્જરી ચાલી હતી. ખાનગી હોસ્પિટલમાં આવી સર્જરીનો ખર્ચ રૂ.૪ લાખની આસપાસ આવી શકે છે. આ દર્દી હાલમાં હોશમાં છે, ૪ દિવસમાં મોંનો સોજાે ઓછો થશે. દર્દીને દોઢથી બે મહિના હોસ્પિટલમાં રાખવો પડશે.વડોદરાની સયાજી હોસ્પિટલના પ્લાસ્ટિક સર્જરી વિભાગમાં સારવાર માટે આવેલા વ્યક્તિને નવો ચહેરો આપવામાં તબીબી ટીમને સફળતા મળી છે.
રીંછના હુમલામાં ઇજાગ્રસ્ત વ્યક્તિ ૧૫ દિવસથી વધુ સમય સુધી આ વિભાગમાં લગભગ વિનામૂલ્યે સારવાર આપવામાં આવી હતી. આગામી એક બે દિવસમાં તેમને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવશે. આ અંગેની માહિતી આપતાં સયાજી હોસ્પિટલના પ્લાસ્ટિક સર્જરી વિભાગના વડા અને સહ પ્રાધ્યાપક ડો. શૈલેશકુમાર સોનીએ જણાવ્યું કે તા.૧ જાન્યુઆરીએ જ્યારે આ ઈજાગ્રસ્તને અમારા વિભાગમાં લાવવામાં આવ્યા હતાં. ત્યારે તેમનો ચહેરો રીંછે કરેલી ઈજાઓથી લગભગ વેર વિખેર થઈ ગયો હતો અને સારવાર ક્યાંથી શરૂ કરવી એની મૂંઝવણ થાય એવી પરિસ્થિતિ હતી.
જાેકે, મેં સાથી તબીબો અને મારી ટીમના સહયોગથી વિકટ સંજાેગોમાં આ ઇજાઓની પ્લાસ્ટિક સર્જરીના કૌશલ્યોનો વિનિયોગ કરીને તેમના ચહેરાનું નવ નિર્માણ હાથ ધર્યું હતું. હવે તેમના ઉપરી ટાંકા કાઢી નાખ્યાં છે અને અંદરુની ટાંકા આપોઆપ ઓગળી જશે. તેઓ હાલમાં વાત કરવી, આંખોનું હલન ચલન કરવું, ખાવું પીવું, સરળતાથી શ્વાસ લેવા જેવી મૂવમેન્ટ કરી શકે છે. અમારા વિભાગની સારવાર લગભગ પૂરી થઈ ગઈ છે. તેમ છતાં, તકેદારીરૂપે તેમણે ૧૫થી ૨૦ દિવસે બતાવવા આવવાનું રહેશે. તેમને હવે ખાસ દવા લેવાની નથી. લોહીની પૂર્તિ માટે અને શક્તિ માટે મલ્ટી વિટામિનની દવાઓ હાલમાં લેવાની રહેશે.
હવે તેમને ફિઝીયોથેરાપી વિભાગમાં ખાસ કરીને આંખોની અને ચહેરાના હલન ચલનની કસરતો શીખવાડવામાં આવશે જે તેઓ જાતે તેમના ઘેર રહીને કરી શકશે. આ ગ્રામીણને અમે વિકટ પરિસ્થિતિમાંથી ઉગારી શક્યા એનો મને અને મારી ટીમને આનંદ છે તેવી લાગણી વ્યક્ત કરતાં ડો.સોનીએ જણાવ્યું હતું કે, અમે આ સરકારી દવાખાનામાં સાધન સંપન્ન ખાનગી હોસ્પિટલ જેવી જ સારવાર આપીએ છે. ફરક એટલો છે કે બહાર આ સારવાર ખૂબ ખર્ચાળ છે જ્યારે સરકારી દવાખાનામાં તે લગભગ વિનામૂલ્યે ઉપલબ્ધ છે.


















Recent Comments