અમરેલી

ડો. જે.બી. વડેરા સાહેબ (એમ.બી.બી.એસ. એમ. એસ.) સાવરકુંડલા શહેરને કર્મભૂમિ બનાવી અનેક દર્દીઓને સારવાર સાથે સ્વસ્થ કરવાનું ભગીરથ કાર્ય કરતાં રઘુવંશી તબીબ. 

સ્વામી શ્રી નિર્દોષાનંદ સરસ્વતી મહારાજે કહ્યું હતું કે, દર્દી નારાયણની સેવા એજ સાચી પ્રભુ સેવા છે– આ વિચારને સાર્થક કરનાર ડો. જીતેન્દુભાઈ બાવચંદભાઈ વડેરાનો જન્મ અમરેલીમાં થયો હતો. તેમના પિતાનું નામ બાવચંદભાઈ અને માતાનું નામ કાશીબેન હતું. બાળપણથી તેમને માતા-પિતા પાસેથી ઉચ્ચ સંસ્કારોનો વારસો મળ્યો હતો. તેમણે માધ્યમિક અને ઉ.માધ્યમિક શિક્ષણ અમરેલીની ખ્યાતનામ એવી કમાણી ફોરવર્ડ હાઈસ્કૂલમાંથી મેળવ્યુ હતું. તેઓ અભ્યાસમાં પ્રથમથી જ હોશિયાર હતા. તેમના પિતા બાવચંદભાઈ લોકસેવાને વરેલા અને અમરેલીમાં વર્ષો સુધી નગરપાલિકાના પ્રમુખ તરીકે રહ્યા હતા. તેમણે પિતા બાવચંદભાઈના જાહેર આરોગ્ય અને લોકસેવાના કાર્યોથી પ્રભાવિત થઈ ડોક્ટર થવાનું નકકી કર્યું. તેમણે એમ.પી.શાહ મેડીકલ કોલેજ, જામનગરમાંથી એમ.બી.બી.એસ. ની ડિગ્રી મેળવી જયારે વાડીલાલ સારાભાઈ મેડીકલ કોલેજ-અમદાવાદથી એમ. એસ. ની ડિગ્રી મેળવી હતી.

ડો. જે.બી.વડેરા સાહેબનું પ્રથમ પોસ્ટીંગ સિવિલ હોસ્પીટલ જેતપુરમાં ઈ.સ.૧૯૭૩ માં થયું હતું ડોકટર તરીકે કારકિર્દીની શરૂઆતના વર્ષોમાં અનેક દર્દીઓને પોતાના કાર્ય થકી જીવતદાન આપેલ. ઈ.સ.૧૯૭૬ ના સમયમાં સાવરકુંડલાના એક ખેતમજુર યુવાન કુવામાં કામ કરતો હતો ત્યારે લોખંડની સાંગડી શરીરની આરપાર ઉતરી ગઈ હતી ત્યારે ઓપરેશન કરી દર્દીને બચાવેલ. આ વાતની નોંધ તે સમયના પ્રખ્યાત વર્તમાનપત્ર ‘પગદંડી’ માં તા. ૯/૫/૭૬ ને રવિવારે વિસ્તૃત અહેવાલ સ્વરૂપે રજૂ થઈ હતી. દર્દીના મન અને મગજમાં ઘૂસી ગયેલા દર્દને દૂર કરનારા ડો.જે.બી.વડેરા સાહેબ ટૂંક સમયમાં જ પોતાના કાર્ય થકી લોકપ્રિય બની ગયા. ઈ.સ. ૧૯૭૯ના સમયમાં સિવિલ હોસ્પીટલ ખાંભામાં સેવા આપી હતી.

જયારે ઈ.સ.૧૯૮૪ સુધી સાવરકુંડલા સિવિલ હોસ્પીટલમાં સેવા આપી હતી. તેમણે ઈ.સ.૧૯૮૪માં સાવરકુંડલામાં ‘આશુતોષ’ નામની પ્રાઈવેટ બનાવી અને આજ પર્યંત દર્દીનારાયણની સેવામાં કાર્યરત છે. ડો. જે.બી.વડેરા સાહેબ અનેક સેવાભાવી સંસ્થાઓ સાથે જોડાયેલ છે. જેમાં ઈન્ડીયન રેડક્રોસ સોસાયટી, મહેતા રામજી અમરશી સાર્વજનિક સેનિટોરિયમ અને લોહાણા કન્યા છાત્રાલય ટ્રસ્ટી તરીકે સેવાઓ આપે છે. તેમના પરિવારમાં બે ભાઈઓ અને ત્રણ બહેનો છે તેમના સફળ કાર્ય માટે પત્ની ઉમાબેનનો સુંદર સહયોગ રહયો છે. તેમનો પુત્ર ડો.વિરલ (ડેન્ટીસ્ટ) અને પુત્રવધુ ડો.બીનાબેન (ફીઝીયોથેરાપીસ્ટ) તરીકે વડોદરામાં સેવાઓ આપે છે. જયારે તેમની દિકરી ડો.ડિમ્પલબેન (ગાયનેકોલોજીસ્ટ) તરીકે મુંબઈમાં સેવા આપે છે.ડો. જે.બી.વડેરા સાહેબે આજના યુવાનોને સંદેશ આપતા કહે છે કે વર્તમાન સમયમાં તમામ પ્રકારના વ્યસનો દૂર કરી, કારકિર્દી ઘડતરમાં ધ્યાન આપવું જોઈએ. આપણે પૌષ્ટીક આહાર અને નિયમિત યોગ કસરત કરવાથી આપણા આરોગ્યને નિરોગી બનાવી શકીએ છીએ. ડો.જે.બી.વડેરા સાહેબની સેવાઓ હંમેશા માટે સાવરકંડલા શહેરની જનતાને મળતી રહે તેવી અભ્યર્થના.

Related Posts