છેલ્લા એક વર્ષથી મહામારી સામે સતત લડી રહેલા ફ્રંટલાઈન વોરિયર્સની વીરતાની લોકો પ્રશંસા કરી રહ્યા છે, ત્યારે બીજી તરફ કોરોના વાયરસથી સંક્રમિત થયેલા નર્સને તેમના પતિએ સાથે રહેવા માટે ૧૦ લાખ રૂપિયા માગ્યા છે. શહેરના ઈસનપુર વિસ્તારમાં રહેતા ૨૭ વર્ષીય મહિલાએ ખોખરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી અને આક્ષેપ લગાવ્યો હતો કે એપ્રિલ ૨૦૨૦માં જ્યારે તેને કોરોના થયો ત્યારે તેના પતિએ તેને તરછોડી દીધા હતા.
મણિનગરમાં આવેલી એલજી હોસ્પિટલમાં ફરજ બજાવતા મહિલાએ પોતાની એફઆઇઆરમાં જણાવ્યું હતું કે, તેમણે ફેબ્રુઆરી, ૨૦૨૦માં ખોખરામાં રહેતા વ્યક્તિ સાથે લગ્ન કર્યા હતા. એફઆઇઆર પ્રમાણે, લગ્ન પછી તરત જ પતિ તેમજ સાસરિયાએ મહિલાની સતામણી કરવાનું શરૂ કરી દીધું હતું.
એફઆઇઆરમાં કહેવામાં આવ્યું છે, મહિલાનો પતિ અને તેના સાસુ-સસરા તે નર્સ તરીકે કામ કરે તેમ નહોતા ઈચ્છતા. તેમનું કહેવું હતું કે, તે સંક્રમણ ઘરે લઈને આવી શકે છે.
પીડિતાએ જણાવ્યું હતું કે, તેના લગ્નના દોઢ મહિના બાદ શહેરમાં કોરોના ફેલાયો હતો. તેમણે કહ્યું હતું કે, તેણે હોસ્પિટલમાં દર્દીઓને તપાસવાનું ચાલુ રાખ્યું હતું અને તે પોતે જ સંક્રમિત થયા હતી. હ્લૈંઇમાં તેમણે આરોપ લગાવ્યો હતો કે, તેમના પતિએ તેઓ તેના સાથે રહેવા ઈચ્છતી હોય તો પિયરમાંથી ૧૦ લાખરૂપિયા લઈ આવવા કહ્યું હતું.
પરિવારના સભ્યોની દખલગીરીથી તેમણે સમાધાન કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ, તેમની નણંદ કે જે પોતે પણ નર્સ છે તેણે કોરોનાનો નવો નેગેટિવ રિપોર્ટ બતાવવા જણાવ્યું હતું. પરંતુ, ફરિયાદીએ ટેસ્ટ કરાવવાની ના પાડતા પતિ અને સાસરિયાઓએ તેને ડિવોર્સની અરજી કરવાનું કહ્યું હતું.
Recent Comments