fbpx
અમરેલી

ઢસા મુકામે સ્વામીશ્રી નિર્દોષાનંદજી પુષ્પવાટિકા એવં પક્ષીમંદિરનો લોકાર્પણ સમારોહ તથા રક્તદાન શિબિરનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું.

સકલ જીવ પ્રાણીમાત્રનું કલ્યાણ ઈચ્છનારા પરોપકારી મહાપુરુષોએ પોતાનાં જીવનકાળમાં સમાજનાં ઉત્કર્ષ માટે અથાગ પ્રયત્નો કર્યાછે તેઓની કૃપાશક્તિ વડે તેઓનાં જીવનકાળ પછી પણ આ જગતમાં લોકહિતનાં કાર્યો થયા કરતા હોયછે સેવા ધર્મો પરમો ધર્મ મંત્રને સ્વજીવનમાં ચરિતાર્થ કરનારા અને પરોપકારનાં પ્રખર હિમાયતી તથા માનવસેવા હોસ્પિટલ ટીંબી નાં પ્રણેતા એવા પૂજ્યપાદ સ્વામીશ્રી નિર્દોષાનંદ સરસ્વતીજી મહારાજ દ્વારા પ્રસ્થાપિત સનાતન ધર્મનાં ધ્વજ સમાન આશ્રમોમાંનો એક આશ્રમ ઢસા મુકામે આવેલોછે જે આધ્યાત્મિક ભૂખવાળા જિજ્ઞાસુજનોને અનોખી તૃપ્તિ અને આત્મશાંતિ પ્રદાન કરી રહ્યોછે

આશ્રમમાં પૂજય સ્વામીજી દ્વારા સ્થાપિત જગદીશ્વર મહાદેવ શિવાલય હજારો શિવભક્તો ની આસ્થાનું કેન્દ્ર બનીને લોકોની કામનાઓ પૂર્ણ કરી રહ્યુંછે અહીં પ્રતિદિન ખૂબ મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ શિવદર્શન અને પૂજનનો લાભ લઈ રહ્યાછે ઢસાગામની શોભામાં અભિવૃદ્ધિ કરી રહેલા આ આશ્રમમાં પૂજયશ્રીનાં કૃપાપાત્ર સદ્દશિષ્ય સ્વામી ભોલાનંદ સરસ્વતીજી મહારાજની પ્રેરણાથી અને ઢસાગામ સમસ્તનાં સહિયારા સાથ અને સહકારથી સુંદર મજાની એક પુષ્પવાટિકા અને પક્ષીઘરનું નિર્માણ કરવામાં આવ્યું છે ત્યારે આગામી તા.18-06-2024, મંગળવારનાં રોજ ભીમ અગિયારસનાં પાવન દિને પૂજ્ય સ્વામી શ્રી ભોલાનંદજીનાં વરદહસ્તે તેમનાં લોકાર્પણ સમારોહનું તથા ટીંબી હોસ્પિટલનાં લાભાર્થે રક્તદાન શિબિરનું ભવ્ય આયોજન કરવામાં આવ્યુંછે

આ મહોત્સવની પાવન પ્રભાતમાં સવારે 8.00 કલાકે રક્તદાન શિબિરનો શુભારંભ થશે. ત્યારબાદ 9.00 કલાકે પુષ્પવાટિકા અને પક્ષીમંદિરનું મંગલ ઉદ્ઘાટન થશે. ત્યારબાદ આ પ્રસંગે આયોજિત ધર્મસભા અંતર્ગત પૂજય સ્વામી ભોલાનંદ સરસ્વતીજી મહારાજ માનવસેવા, જીવદયા અને ગુરુભક્તિમય દિવ્ય પ્રવચન આપશે. ત્યાર પછી આ સત્કાર્યમાં સહયોગ પ્રદાન કરનાર વિરલ દાતાશ્રીઓનાં સન્માન થશે અને મહાનુભાવો પ્રાસંગિક વક્તવ્યો પણ આપશે. ધર્મસભાનાં સમાપન બાદ સર્વે ધર્મપ્રેમીજનો સાથે મળીને સમૂહ ફલાહાર  મહાપ્રસાદ ગ્રહણ કરશે. આ જીવસેવામય, પરોપકાર અને માનવસેવા તથા ભક્તિમય મહોત્સવમાં પધારવા સર્વે જનતા- જનાર્દનને હાર્દિક – હાર્દિક નિમંત્રણ પાઠવવામાં આવે છે. તેમજ આ પ્રસંગે આયોજિત રક્તદાન કેમ્પમાં રકતદાન કરવા માટે તંદુરસ્ત યુવા ભાઈઓ- બહેનોને પધારવા સ્વામી નિર્દોષાનંદજી સત્સંગ મંડળ ઢસાગામ સમસ્ત સહૃદય અનુરોધ કરેછે આ સમગ્ર મહોત્સવનું જીવંત પ્રસારણ આશ્રમની યુ-ટ્યુબ ચેનલ – ગુરુ સાનિધ્ય (guru sannidhya) પર પ્રસારિત કરવામાં આવશે તેમ આશ્રમ સેવક અમીતગીરી ગોસ્વામી ની યાદી જણાવેલ.

Follow Me:

Related Posts