તમામ લોકોને ઘરની બહાર ન નીકળવા અપીલ : આવતા બે દિવસ માટે જાફરાબાદ અને રાજુલાના ગામોમાં કર્ફ્યુ લાદવામાં આવશે : દરિયાકાંઠાથી ૨૦૦ મીટરનો વિસ્તાર ઉપર જરૂરી કામગીરી સિવાય પ્રતિબંધ
તૌકતે વાવાઝોડાની સંભવિત અસરોને પહોંચી વળવા અમરેલી જિલ્લા કલેક્ટરશ્રી આયુષ ઓકના નેતૃત્વમાં વહીવટી તંત્ર સંપૂર્ણ સજ્જ બન્યું છે. તૌકતે વાવાઝોડાની સંભવિત અસરોને પહોંચી વળવા અમરેલી વહીવટી તંત્ર સજ્જ છે. વધુ માહિતી આપતા જિલ્લા કલેક્ટરશ્રીએ જણાવ્યું હતું કે રાજુલા-જાફરાબાદ તાલુકાના દરિયાકાંઠાથી ૦ થી ૩ કિમીના વિસ્તારમાં ૨૦ ગામડાઓ અને ૧ જાફરાબાદ નગરપાલિકા આવેલ છે જેમાં કુલ ૯૦ હજાર આસપાસ વસ્તીના ૬૦૦૦ લોકોને સ્થળાંતર કરવામાં આદેશ અપાયા છે.
આવતીકાલે સવારથી લો લાઈન એરિયાના કાચા મકાનોમાં રહેતા ૧૭ હજાર જેટલા લોકોનું સ્થળાંતર કરવામાં આવશે. નદી નાળા કે નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સરપંચ, તલાટી, રેવન્યુ સ્ટાફ તેમજ ગ્રામસેવકો દ્વારા સૂચના આપવામાં આવી છે. પોલીસ, વીજ કંપની, માર્ગ અને મકાન, નેશનલ હાઇવે જેવા તમામ વિભાગોની રેપિડ રિસ્પોન્સ ટીમ જેસીબી, ઝાડ કાપવાના મશીન જેવા સંસાધનો સાથે કાર્યરત છે. ઝાડ, વીજળીના થાંભલાઓ, ટ્રાન્સફોર્મર્સને નુકસાન ન થાય તેવા પગલાં લેવામાં આવ્યા છે. શેલ્ટર હાઉસમાં કોવીડની ગાઈડલાઇન્સનું ચુસ્તપણે પાલન કરવામાં આવશે. રાજુલા જાફરાબાદના ૨૦ ગામોમાં ધન્વંતરિ રથ કાર્યરત છે. સ્થળાંતરિત કરતા લોકોના રેપિડ-એન્ટિજન ટેસ્ટ કરવામાં આવશે. જાફરાબાદ-રાજુલાના ઓક્સિજન પરના ૩૩ દર્દીઓને એમ્બ્યુલન્સથી સાવરકુંડલા ખસેડવામાં આવશે. ખાનગી અને સરકારી દવાખાનાઓમાં વીજ પુરવઠો જળવાય તે માટે વીજ કંપનીને પણ ખાસ સૂચના આપવામાં આવી છે. જો વીજ પુરવઠો ખોરવાય તો ડીજી સેટ કે પાવર બેકઅપ પણ રાખવાં આવશે.
ભાવનગર ખાતેથી વાવાઝોડાની ૪૮ કલાક પછી પણ ઓક્સિજન ચાલે એટલો જથ્થો ઉપલબ્ધ કરાવવા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ સાથે ૩ ડીવાયએસપી, ૨૦ જેટલા પીઆઈ/પીએસઆઈ, ૨ એનડીઆરએફની અને ૧ એસડીઆરએફની ટીમ તૈનાત કરવામાં આવી છે. રેસ્ક્યુ કે રિલીફ કાર્યની જો જરૂર લાગે તો પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે તેમજ ફૂડ પેકેટ્સ બનાવવાની કામગીરી પણ હાલ ચાલુ છે.
કલેક્ટર શ્રી દ્વારા તમામ લોકોને ઘરની બહાર ન નીકળવા અપીલ કરવામાં આવી છે તેમજ આવતા બે દિવસ માટે જાફરાબાદ અને રાજુલાના ગામોમાં કર્ફ્યુ લાદવામાં આવ્યો છે. જેમાં દરિયાકાંઠાથી ૨૦૦ મીટરનો વિસ્તાર ઉપર જરૂરી કામગીરી સિવાય પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. આ સાથે દરિયાકાંઠા વિસ્તારની ઓવરહેડ પાણીની ટાંકી ખાલી કરાવવાનો આદેશ પણ આપવામાં આવ્યો છે અને લોકોને પીવાના પાણીની વ્યવસ્થા પુરતા પ્રમાણમાં કરી લેવા અપીલ કરવામાં આવી છે.
Recent Comments