સૌરાષ્ટ - કચ્છ

તલાલામાં રેશનિંગનું અનાજ બારોબાર વેચવાનું કૌભાંડ ઝડપાયું, ૪ લાખથી વધુનો જથ્થો જપ્ત

તાલાલા ગીર તાલુકાના ગરીબ પરિવાર અને સરકાર માન્ય દુકાનેથી રેશનીંગનો કાર્ડ ઉપર આપવાના ચોખા અને ઘઉંનો જંગી જથ્થો ચિત્રાવડ ગીર ગામે એકત્ર થયો હોવાની અને આ જથ્થો ત્યાંથી બારોબાર સગેવગે થવાની બાતમી એલસીબીના નરેન્દ્ર કછોટને મળેલ હતી. જેના આધારે એલસીબી સ્ટાફએ બાતમીવાળા સ્થળે દરોડો પાડયો હતો. એલ.સી.બી.ના પીઆઈ એ.એસ.ચાવડાએ આપેલ વિગત પ્રમાણે દરોડાની તપાસ દરમિયાન ચિત્રાવડ ગીર ગામે નવા પ્લોટ વિસ્તારમાં રહેતા કાસમ ખમીસા ભાઈના ઘરના ફળિયામાંથી તથા બાજુમાં રહેતા ગાલીફ હાજી બ્લોચના ઢાળિયાના ગોડાઉન માંથી ૪૫૭ બાચકા ચોખા તથા ૭૩ ગુણી ઘઉં કુલ ૨૯૪૫૦ કિલો અનાજનો ખાદ્ય પુરવઠો કબજાે કર્યો હતો. આ ઉપરાંત વજન કાંટો એક, ત્રણ મોબાઇલ મળી કુલ રૂ.૪ લાખ ૬૩ હજાર ૮૦૦ નો મુદ્દામાલ સી.આર.પી.સી.કલમ ૪૧(૧)ડી ૧૦૨ મુજબ કબ્જે કર્યો છે.

પકડાયેલ ચોખા અને ઘઉંનો જથ્થા ક્યાંથી લઈ આવેલ તેના બિલ તથા આધાર પુરાવા માંગતા સંતોષકારક જવાબો આપેલ નહીં પરંતુ આ માલ અયુબ હુસેન ખાનાણી ઉ.વ.૪૪ રહે.વિઠલપુર તા.તાલાલા ગીર, કાસમ દાઉદ ચોટલીયા ઉ.વ.૬૦ રે.મોણીયા, તા.વિસાવદર, આસિફ જીકર કાળવાતર ઉ.વ.૩૨ રે.મોણીયા, તા.વિસાવદર વાળાએ એકત્ર કર્યા હોવાનું જણાવેલ હતુ. એલસીબીના દરોડા દરમિયાન બનાવના સ્થળે એક ટ્રક, એક બોલેરો ગાડી, સાત છકડો રીક્ષા કુલ નવ વાહનો ખાલી હાલતમાં મળી આવેલ હતા. એલ.સી.બી બ્રાન્ચે તમામ વાહનોની વિગતો એકત્ર કરી પકડાયેલ ઘઉં,ચોખા ના જથ્થા સાથે ઉપરોક્ત ત્રણેય શખશોની કુલ રૂ.૪ લાખ ૬૩ હજાર ૮૦૦ ના મુદામાલ સાથે સી.આર.પી.સી.કલમ ૧૦૨ મુજબ ધરપકડ કરી આગળની કાર્યવાહી કરવા તાલાલા પોલીસે કાગળો સુપ્રત કર્યાનું જણાવ્યું છે.

તાલાલા પંથકમાં રમળેચી ગીર ગામેથી થોડા સમય પહેલા પણ ગરીબ પરિવારોને કુપન ઉપર આપવાના ઘઉં-ચોખાનો જથ્થો પકડાયા બાદ ચિત્રાવડ ગીર ગામે કુપનના માલનો જંગી જથ્થો પકડાતા તાલાલા પંથકમાં ભારે ચકચાર ફેલાયેલ છે. તાલાલા તાલુકાના ચિત્રાવડ ગીર ગામેથી કુપન ઉપર ગરીબ પરિવારોને આપવાના માલનો પકડાયેલ જંગી જથ્થાના આરોપીઓ પૈકી અયુબ હુસેન ખાનાણી ઉ.વ.૪૪ ભાજપ અગ્રણી હોવાનું ખુલ્યું છે. અયુબ ખાનાણી અગાઉ તાલાલા તાલુકા પંચાયતની ચૂંટણીમાં ભાજપની ટિકિટ ઉપરથી ચૂંટાયો હતો. હાલ ભાજપ લઘુમતી મોરચામાં ઉપપ્રમુખની જવાબદારી સંભાળે છે. ગરીબોને આપવાના કુપનના માલના કાળા બજાર કરવાની કથિત પ્રવૃત્તિમાં ભાજપ અગ્રણી ની એલ.સી.બી.એ પોલીસે અટક કરી હોવાના સમાચારથી તાલાલા પંથકમાં ખળભળાટ મચી ગયો છે.

Follow Me:

Related Posts